રાજકોટ
News of Saturday, 2nd July 2022

જ્‍યુબીલી શાક માર્કેટ પાસે રાતે ફ્રુટના ધંધાર્થી જાવીદ ઉર્ફ જાવલાએ નશો કરી ધમાલ મચાવતાં ધરપકડ

જંગલેશ્વરનો શખ્‍સ માથાકુટ કરતો હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયોઃ પોતાને ત્રણ શખ્‍સોએ પાઇપથી માર માર્યાનો આક્ષેપ કરતાં સારવાર અપાવાઇ

રાજકોટ તા. ૨: જ્‍યુબીલી બાગ શાક માર્કેટ નાગરિક બેંક ચોકમાં રાત્રીના અગિયારેક વાગ્‍યે એક નશાખોરે ધમાલ મચાવી ફ્રુટની લારી ઉંધી વાળી દેતાં લોકો ભેગા થઇ ગયા હતાં. માથાકુટ કરનાર શખ્‍સનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં પોલીસ પહોંચી હતી. અને નશાખોરને પકડી લીધો હતો. તેણે પોતાની સાથે મારકુટ થયાનો આક્ષેપ કરતાં પોલીસે તેને સારવાર અપાવી હતી.
રાત્રીના સોશિયલ મિડીયામાં એક શખ્‍સ જ્‍યુબીલી શાક માર્કેટ નાગરિક બેંક ચોકમાં માથાકુટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. એ વખતે હેડકોન્‍સ. રવિભાઇ વાઘેલા પેટ્રોલીંગમાં હોઇ જ્‍યુબીલી ચોકમાં પહોંચતા એક શખ્‍સ કેફી પ્રવાહી પીધેલો મળતાં તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ જાવીદ ઉર્ફ જાવલો આમદભાઇ સેતા (ઉ.૩૬-રહે. જંગલેશ્વર રાધાકૃષ્‍ણનગર મેઇન રોડ-૧૪/૧૫ ખુણો) હોવાનું અને તે ફ્રુટનો ધંધો કરતો હોવાનું ખુલ્‍યું હતું. પોલીસે તેની સામે દારૂ પીવાનો ગુનો નોંધી અટકાયત કરી હતી.
આ શખ્‍સે પોતાને જાવીદ, મુજીલ, શાલુ સહિતે પાઇપથી મારકુટ કર્યાનો આક્ષેપ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર અપાવાઇ હતી. વાયરલ થયેલા વિડીયોમાં ઝપાઝપના દ્રશ્‍યો, એકઠા થયેલા લોકો, ઉંધી વાળી દેવાયેલી લારી જોઇ શકાય છે.

 

(4:50 pm IST)