રાજકોટ
News of Friday, 2nd July 2021

રાષ્ટ્રીય ટેગીંગ કાર્યક્રમ અન્વયે રાજકોટ જિલ્લામાં ૬ લાખથી વધુ દુધાળા પશુઓને અપાશે બારકોડેડ ઓળખ

પશુપાલન વિભાગ દ્વારા કુલ ૩ લાખથી વધુ દુધાળા પશુઓનું ટેગીંગ સંપન્ન : વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન ૧૨,૧૮૭ કેમ્પનું આયેાજન કરી ૫,૯૩,૮૩૫ પશુઓનું રસીકરણ : વિવિધ સહાયકારી યોજનાઓનો વર્ષ ૨૦૨૧-૨૨માં લાભ લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ પર રજીસ્ટ્રેશન તા.૩૧-૭-૨૦૨૧ સુધી ચાલુ

રાજકોટ તા.૨ :  દેશના ગ્રામીણ અર્થતંત્ર પર ખેતી જેટલું જ મહત્વ પશુપાલનનું રહયું છે. ગ્રામીણ વિસ્તારના અનેક કુટુંબો પશુ પાલન આધારીત આર્થિક પ્રવૃતિ કરે છે. ત્યારે પશુઓની માવજત અને સંવર્ધન અત્યંત મહત્વપુર્ણ બની રહે છે.

 પશુપાલન વિભાગની વિવિધ યોજનાઓનું સુચારૂ અમલીકરણ થઇ શકે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ દુધાળા પશુઓની ખાસ બાર કોડેડ ટેગીંગ(ઓળખ) માટેનો રાષ્ટ્રીય ટેગીંગ કાર્યક્રમ ચાલી રહયો છે. નાયબ પશુપાલન  નિયામક ડો. કે.યુ.ખાનપરાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં કુલ ૧૪૯ કર્મચારીઓ દ્વારા બાર કોડેડ ટેગીંગની કામગીરી થઇ રહી છે. જેમાં અત્યાર સુધીમાં જિલ્લાના કુલ નોંધાયેલ ૬,૨૧,૩૩૭ પશુઓ (ગાય અને ભેંસ) પૈકી ૩,૦૪,૬૨૫ પશુઓનું ટેગીંગ થઇ ચુકયું છે.

 પશુપાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ લેવા માટે પશુઓનું ટેગીંગ આવશ્યક હોઇ ડો. ખાનપરાએ જે-તે વિસ્તારમાં આ કામગીરી માટે મુલાકાતે આવતા પશુપાલન વિભાગના કર્મચારીને સહયોગ આપવા દરેક પશુ પાલકોએ પોતાના પશુઓનું બાર કોડેડ ટેગીંગ અવશ્ય કરાવી લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. આ તકે તેઓએ બાર કોડેડ ટેગીંગ સાથે ચોમાસાની ઋતુ આગાઉ કરવામાં આવતા પશુઓના રસીકરણનો લાભ લઇને પશુઓને રોગો સામે સુરક્ષિત કરવા જણાવ્યું હતું.

 રાજકોટ જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા ૨૦ જેટલા -ાથમિક પશુસારવાર કેન્દ્રો કાર્યરત છે.  ગત વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય મેળા તથા સંકલ્પપત્ર યોજના અન્વયે ૨૦૫ કેમ્પનું આયોજન કરી પશુઓની સારવાર કરવામાં આવી હતી. ૧૨૧૮૭ પશુઓનું કૃત્રિમ બીજદાન કરાયું હતું. જયારે ૫,૯૩,૮૩૫ પશુઓનું રસીકરણ કરી તેઓને ખરવા મોવાસા, ગળસુંઢો જેવા ચોમાસાની ઋતુઓમાં જોવા મળતા રોગો સામે સુરક્ષા કવચ અપાયું હતું.

 ખાસ અંગભુત યોજના અન્વયે ૨  લાભાર્થીને બકરા ઉછેર એકમ માટે પ્રત્યેકને રૂ. ૪૫ હજાર લેખે કુલ  રૂ. ૯૦,૦૦૦ જવી રકમ સહાય પેટે ચુકવાયેલી હતી. પશુઓને ચારો કાપીને આપવા માટે ખાસ ઇલેકટ્રીક ચાફકટરમાં સહાય માટે એકિકૃત યોજના અન્વયે ૧૦૨ લાભાર્થીને પ્રત્યેકને રૂ. ૧૮,૦૦૦ લેખે કુલ રૂ. ૧૮,૦૫,૯૬૬ તથા ખાસ અંગભુત યોજના અનવ્યે ૨ લાભાર્થીને રૂ. ૩૬ હજાર એમ કુલ ૧૦૪ લાભાર્થીને  કુલ રૂ. ૧૮,૪૧,૯૬૬ની સહાય ચુકવાઇ હતી. જયારે દુઘ ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા ૩૬ જેટલી દુઘ ઉત્પાદક હરિફાઇઓ યોજી હતી.

 ઉલ્લેખનીય છે કે રાજય સરકારના પશુપાલન વિભાગની વિવિધ ઘટકોની સહાયકારી યોજનાઓનો વર્ષ ૨૦૨૧-૨૨માં લાભ લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીનું રજીસ્ટ્રેશન તા.૩૧-૭-૨૦૨૧ સુધી ચાલુ છે. આથી પશુપાલકોએ સહાયકારી યોજનાઓનો લાભ લેવા સુચવેલ મુદતમાં ઓનલાઇન અરજી કરવા  જણાવાયું છે.

(11:58 am IST)