રાજકોટ
News of Thursday, 2nd July 2020

રાજકોટની બી.ટી સવાણી કિડની હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓને અપાતી સારવારની માહિતી મેળવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

રાજકોટ: ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સારવારની કામગીરી કરતી રાજકોટના યુનિવર્સીટી રોડ ખાતે આવેલી બી.ટી સવાણી કિડની હોસ્પીટલની મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લઈને દર્દીઓને અપાતી સારવારની માહિતી મેળવી હતી.

 આ પ્રસંગે બી.ટી સવાણી કિડની હોસ્પીટલના મેનેજીંગ ટ્રસ્ટી અને ચીફ યુરોલોજીસ્ટ ડો. વિવેક જોષીએ હોસ્પીટલ કામગીરી અંગે મંત્રીશ્રીને માહિતગાર કરતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના દરમિયાન આજ સુધીમાં કુલ ૧૫,૫૨૩ જેટલા ડાયાલીસીસ કરવામાં આવ્યા છે. તેમજ ૪,૨૯૩ જેટલી સર્જરીઓ કરવામાં આવી છે તેમજ એક ક્રિટીકલ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૨ વર્ષના બાળકનું બ્રેઈન ડેથ થવાથી તેની કિડનીનું એક ૧૭ વર્ષિય યુવકમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, બી.ટી સવાણી કિડની હોસ્પીટલમાં ૬ નેફ્રોલોજીસ્ટની હાજરીમાં રોજના ૧૨૦ જેટલા ડાયાલીસીસ કરવામાં આવે છે. પ્રતિમાસ ૩૦૦૦ કરતા વધુ ડાયાલીસીસ કરવામાં આવે છે. બાળકો માટે ખાસ એક અલગ ને્ફ્રોલોજીસ્ટની વ્ય્વસ્થા છે. તમામ દર્દીઓને સંતોષકારક સુવિધા મળી રહે તે માટે રોજના ૨૭૫ જેટલા આરોગ્યકર્મીઓ સતત કાર્યરત હોય છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલ માં અમૃતમ કાર્ડ ધારકો નિઃશુલ્ક ડાયાલીસીસ કરાવી શકે છે
આ તકે સંસ્થાના ફાઉન્ડર ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ, ચેરમેનશ્રી જયંતિભાઈ ફળદુ, સી.ઈ.ઓ. ડો.ચેતન મિસ્ત્રી સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(10:15 pm IST)