રાજકોટ
News of Wednesday, 2nd June 2021

હાશ! અંતે કોરોના હાંફયોઃ સિવિલમાં ફકત ૧૦૦ દર્દી

બર્ન્સ વોર્ડ પાસેનો વધારાનો ડોમ હટોવાયોઃ લાંબા સમયે હોસ્પિટલ તંત્રને રાહતનો શ્વાસ

જો કે ત્રીજી લહેર આવે તો તંત્ર સજ્જઃ મ્યુકર માયકોસિસ વધુને વધુ મુંજવી રહ્યો છે

રાજકોટઃ કોરોના મહામારીની બીજી લહેર હવે ખતમ થવામાં છે અને ત્રીજી લહેર આવી જાય તો શું કરવું એ માટે આરોગ્ય વિભાગના તંત્રવાહકો અત્યારથી તૈયારીમાં છે.  ત્યારે લાંબા સમય પછી પીડીયુ સિવિલ હોસ્પિટલના સમગ્ર તંત્રવાહકો અને સમગ્ર સ્ટાફે રાહતનો શ્વાસ લીધો છે. કોરોના હવે હાંફી રહ્યો હોય તેવા અણસાર સામે આવ્યા છે. આજના દિવસે સિવિલ હોસ્પિટલમાં માત્ર ૧૦૦ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે. વધારાના તમામ વિભાગો કે જે કોરોનાના દર્દીઓ માટે શરૂ કરવામાં આવ્યા હતાં તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આવો હાશકારો હવે કાયમ રહે અને ત્રીજી લહેર ન આવે એ માટે સોૈ પ્રાર્થના કરી રહ્યા છે. 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક સમયે કોરોના દર્દીઓની સંખ્યા એટલી વધી ગઇ હતી કે સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગના તમામ માળ કોરોના દર્દીઓ માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા પછી ટ્રોમાકેર સેન્ટર, માનસિક વોર્ડ વિભાગ, જુના વોર્ડ નં. ૭, ૧૦, ૧૧ તેમજ ઓપીડી બિલ્ડીંગના અમુક વોર્ડમાં પણ કોવિડ દર્દીઓ માટે બેડ ઉભા કરવા પડ્યા હતાં. ટ્રોમા કેર સેન્ટરમાંથી હાડકાના દર્દીઓને રેલ્વે હોસ્પિટલમાં ઓર્થોપેડિક વોર્ડ ઉભો કરી ત્યાં ટ્રાન્સફર કરવા પડ્યા હતાં અને ટ્રોમા સેન્ટરમાં પણ કોવિડ દર્દીઓ માટે રાતોરાત પથારીઓ ઉભી કરવી પડી હતી.

કલેકટર તંત્ર સાથે ખભેખભા મિલાવી પીડીયુ સિવિલ હોસ્પિટલના તમામ તંત્રવાહકો અને તમામ સ્ટાફે કોરોનાના દર્દીઓ માટે રાત દિવસ એક કર્યા હતાં. જો કે આમ છતાં અનેક કમનસિબ દર્દીઓની જિંદગી બચી શકી નહોતી. એ સમય એવો હતો જ્યારે કોરોના દર્દીને દાખલ કરાવવા માટે તેમના સ્વજનોને ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં સવારથી રાત સુધી કે પછી બીજા દિવસની સવાર સુધી કતારમાં રહેવું પડતું હતું. ઓકિસજન પણ એક સમયે ખુટી જાય તેવી હાલત ઉભી થઇ હતી. પરંતુ સરકારે તાબડતોબ સુવિધાઓ ઉભી કરવા આદેશો આપ્યા હતાં. વેન્ટીલેટર સાથેના બેડ શહેરની એકપણ ખાનગી હોસ્પિટલમાં મળતાં ન હોઇ સિવિલમાં દર્દીઓનો પ્રવાહ સતત વધ્યો હતો.

આ કારણે  વહિવટીતંત્ર, તબિબો, નર્સિંગ સ્ટાફ, ટેકનીશીયન, લેબોરેટરી સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ, એસઆઇ, સિકયુરીટી ટીમો, હંગામી ધોરણે ફરજ પર મુકાયેલા એટેન્ડન્ટ્સ અને બીજા તમામ કર્મચારીઓ પર મોટી જવાબદારી આવી ગઇ હતી. આ સમગ્ર સ્ટાફ સતત કોવિડના દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહેતો હતો. વધારાનો સ્ટાફ પણ મુકવો પડ્યો હતો. દર્દીઓ સતત વધી રહ્યા હોઇ તે કારણે ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં વિશાળ ડોમ ઉભો કરાયો હતો અને ઓકિસજન સુવિધા સાથેના બેડ ઉભા કરવા તૈયારી થઇ હતી. તો બર્ન્સ વોર્ડ પાસેની વિશાળ જગ્યામાં પણ આ રીતે ડોમ ઉભો કરી બેડ તૈયાર કરી દર્દીઓને દાખલ કરી સારવાર આપવાનું શરૂ થયું હતું. પરંતુ હવે રાહતના વાવડ સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના હવે દોઢસો જેટલા દર્દીઓ જ સારવાર હેઠળ છે. લાંબા સમયે હોસ્પિટલ તંત્રએ રાહતનો દમ લીધો છે. ત્રીજી લ્હેર આવે ત્યારે લડી લઇશું...એવા નિર્ધાર સાથે હાલ બર્ન્સ વોર્ડ પાસેનો વધારાનો ડોમ દૂર કરાવી દેવામાં આવ્યો છે. આપણે ઇચ્છીએ કે હવે ફરીથી આવા ડોમ ઉભા કરવાની જરૂર ન પડે. જો કે કોરોના પછી મ્યુકર માયકોસિસનો રોગ હજુ પણ હોસ્પિટલ તંત્ર માટે મુંજવણ બની રહ્યો છે. આ રોગના ૭૦૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:59 pm IST)