રાજકોટ
News of Tuesday, 2nd June 2020

ગૌશાળાઓને ઢોર દીઠ રૂ. રપ ની સહાય માત્ર ૧૩ દિવસ ચૂકવાઇ છેઃ બાકી સહાય તાકિદે ચૂકવોઃ કોંગ્રેસનું આવેદન

રાજકોટ તા. રઃ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઇ ડાંગર અને મહેશ રાજપૂતે કલેકટરને આવેદન પર પાઠવી ગુજરાત સરકાર દ્વારા ઢોર દીઠ રૂ. રપ દેવાની જાહેરાત અંગે તમામ ગૌશાળાઓને પુરા નાણા ચુકવવામાં આવે તે અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, લોકડાઉન દરમ્યાન ગુજરાત સરકારના મુખ્યમંત્રી દ્વારા તમામ ગૌ શાળાઓને ઢોર દીઠ રૂ. રપ તા. ૧ એપ્રિલથી દેવામાં આવશે તેવી જાહેરાત કરેલ હતી પણ સરકારના જીલ્લાના અધિકારીઓ દ્વારા પોતાપોતાના જીલ્લાઓમાં ગૌશાળાની વિઝીટ ૩૧-પ-ર૦ર૦ સુધીમાં પાંચ-છ વખત કરેલ છે પણ બે માસ એટલે કે ૬૧ દિવસ પુરા થઇ ગયેલ હોય તેમાંથી માત્ર ૧૩ દિવસના ગૌ શાળાઓને નાણા ચુકવેલ છે માનવતાની વાતો કરનારી આ સરકાર ગુજરાતની ગૌશાળામાં ગૌમાતાઓ ભૂખે મરે છે આ કેવી ખરાબ પરિસ્થિતિ કહેવાય તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.

આવેદનમાં તાત્કાલિક ગુજરાતની તમામ ગૌ શાળાના બે મહિનાના પુરા નાણા તાત્કાલિક ચૂકવાય તથા દર બુધવારની જીલ્લા કલેકટરની આયોજનની મીટીંગમાં મંત્રીઓ પણ હાજર રહેતા હોય, ગૌશાળાના ચુકવવાના નાણા અંગેની કાલની મીટીંગમાં આ મુદ્દાને ચર્ચામાં લેવાય તેવી રજુુઆતો કરેલ, તેમજ આ મામલાને રાજકીય દ્રષ્ટિએ ન જોઇ અને માનવતાના ધોરણે આપ કાર્યવાહી કરી અને ગૌશાળાઓને ન્યાય અપાવશો તેમ ઉમેરાયું હતું.

(3:56 pm IST)