રાજકોટ
News of Tuesday, 2nd June 2020

'આજે તો દારૂની ટેવ છોડીને જ પાછો ઘરે આવીશ'એવું કહીને ગોપાલભાઇ નીકળ્યા ને રાતે ઝેર પી આવ્યાઃ મોત

રૈયા ગામના ચમાર પરિવારમાં અરેરાટીઃ બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨: 'આજે તો હું દારૂની ટેવ છોડીને પછી જ ઘરે આવીશ'...તેવું પત્નિને કહીને ગઇકાલે સવારે ઘરેથી નીકળેલા રૈયા ગામના ચમાર આધેડ રાતે બહારથી ઝેર પીને ઘરે આવ્યા બાદ હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ રૈયા ગામમાં રહેતાં ચમાર આધેડ ગોપાલભાઇ ખીમજીભાઇ શેખા (ઉ.વ.૪૫) રાતે સાડા દસેક વાગ્યે બહારથી ઘરે આવ્યા બાદ ઉલ્ટીઓ કરવા માંડતાં અને ઝેર પી ગયાનું કહેતાં પરિવારજનોએ તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ ટૂંકી સારવાર બાદ દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રવિભાઇએ જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. શૈલેષપરી અને બ્રિજરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ગોપાલભાઇ કડીયા કામની મજૂરી કરતાં હતાં. તેઓ બે ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. પત્નિનું નામ રંજનબેન છે. સંતાનમાં બે પુત્રો સાગર અને વિશાલ છે. પુત્ર સાગરના કહેવા મુજબ-મારા પિતાને નશો કરવાની આદત હતી. આનાથી તે હવે કંટાળી ગયા હતાં. ગઇકાલે સવારે ઘરેથી નીકળ્યા ત્યારે એવું કહીને ગયા હતાં કે હવે તો દારૂની ટેવ છોડીને જ પાછો આવીશ. આ પછી તેઓ રાતે ઘરે આવ્યા હતાં અને બહારથી જ દવા પીને આવ્યા હતાં. આપઘાત દારૂની ટેવથી કંટાળીને કર્યો કે અન્ય કોઇ કારણોસર? તે અમને ખબર પડી નથી. તેમ વધુમાં સાગરે જણાવ્યું હતું. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(12:53 pm IST)