રાજકોટ
News of Tuesday, 2nd June 2020

૧૭ વર્ષનો સગીર હવસખોર બન્યો...૮ વર્ષની બાળાને વોંકળામાં ખેંચી દેહ પીંખ્યો!

બાળકીને એકલી જોતાં જ બકાલીની દાઢ ડળકી ને બાવડુ પકડી લઇ ગયો : બાળા રડતી રડતી ઘરે આવતાં બહેને શું થયું? પુછતાં વિતક વર્ણવીઃ કુવાડવા પોલીસે અપહરણ, ધમકી, પોકસો હેઠળ કાર્યવાહી કરીઃ લોહાનગરની બાળા સાથે અડપલાની ઘટના બાદ સતત બીજો બનાવ

રાજકોટ તા. ૨: પરમ દિવસે લોહાનગરમાં સાડા ત્રણ વર્ષની બાળાને બિસ્કીટ ખવડાવવાના બહાને એક ઢગાએ અપહરણ કરી પુલ નીચે લઇ જઇ બિભત્સ અડપલા કર્યાની ઘટના હજુ તાજી છે ત્યાં કુવાડવા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં  રહેતાં અને બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં ૧૭ વર્ષના સગીરની હવસખોરીનો કિસ્સો પોલીસ ચોપડે ચડ્યો છે. ઘર નજીક એકલી રમી રહેલી બાળાને જોઇ વાસનાનો કીડો સળવળતા તેનું બાવડુ પકડી બકાલી વોંકળામાં ઝાડી નીચે લઇ ગયો હતો અને દેકારો કરીશ તો તારા ભાઇને મારી નાંખીશ...તેવી ધમકી દઇ અડપલા કરી દૂષ્કર્મ આચરતાં ચકચાર જાગી છે. કુવાડવા પોલીસે ગુનો નોંધી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને સકંજામાં લેવા તજવીજ કરી છે.

બનાવની જાણ થતાં કુવાડવા પોલીસે બાળાના પિતાની ફરિયાદ પરથી સગીર આરોપી સામે આઇપીસી ૩૭૬ (૨) જે, ૩૭૬ (૩) એબી, ૩૬૩, ૫૦૬ (૨) તથા પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.  ફરિયાદીના પત્નિ નથી. તેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ફરિયાદી પોતે છુટક મજૂરી કરે છે. ગઇકાલે તે કામ પર હતાં ત્યારે બપોરના સમયે તેની ૮ વર્ષની દિકરી ઘરે રડતી રડતી આવતાં મોટી બહેને શું થયું? તેમ પુછતાં તેણીએ પોતાને બકાલાનો ધંધો કરતો શખ્સ બાવડુ પકડી વોંકળામાં ખેંચી ગયાની અને જો રાડો પાડીશ તો તારા ભાઇને મારી નાંખીશ તેવી ધમકી આપી બળજબરી કર્યાની વાત વર્ણવતા મોટી બહેન ચોંકી ગઇ હતી. એ પછી તેણીએ પિતાને જાણ કરતાં તે ઘરે આવ્યા હતાં અને ભોગ બનનાર દિકરીને લઇ કુવાડવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં.   

પોલીસે બાળાનું તબિબી પરિક્ષણ કરાવવા સહિતની કાર્યવાહી કરી તાકીદે ગુનો દાખલ કરી સગીર આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે. દૂષ્કર્મ આચરનાર સગીર તેના પરિવારજનો સાથે જ રહે છે.   પીઆઇ એમ. સી. વાળા, હિતેષભાઇ ગઢવી, જયંતિભાઇ સહિતના સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે ગઇકાલે જ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે લોહાનગરમાં બાળકી સાથે અડપલાની શરમજનક ઘટના બની છે. તેમાં કડક રાહે કાર્યવાહી કરવી જરૂરી છે. શહેરમાં નશીલા દ્રવ્યો, દેશી દારૂનું ખુલ્લેઆમ વેંચાણ વધ્યું છે. ગુનેગારો બેફામ બની કાયદાની ઐસીતૈસી કરી રહ્યા છે. પોલીસ તંત્ર મુળ ફરજ ભુલી સરકારી યોજનાઓના પ્રસાર પ્રચારમાં જોતરાયેલુ રહે છે. ત્યારે મહિલાઓની સલામતિ અંગે કોણ વિચારશે?

દરમિયાન આ ઘટનાને ચોવીસ કલાક પણ વીત્યા નહોતા ત્યાં કુવાડવા પંથકમાં ૮ વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાની ઘટના બની છે. 

(11:20 am IST)