રાજકોટ
News of Saturday, 2nd June 2018

કરિયર ગાઇડન્સ ટ્રસ્ટના પ્રમુખે બીજાનો આર્ટીકલ પોતાના નામે ઠપકારી દીધો ?!

રાજકોટ તા.૨: રાજકોટ ખાતેથી સંચાલિત થતા  કરીયર ગાઇડન્સ ટ્રસ્ટના પ્રમુખ આર.એન. કોટકે અમદાવાદના તૃપ્તિબેન ઉપાધ્યાય દ્વારા૨૦૧૭ માં પ્રસિધ્ધ થયેલ આર્ટીકલ ની વિગતો  પોતાના નામે ચઢાવી દીધાનુ઼ બહાર આવ્યાની જોરદાર ચર્ચા આધારભુત વર્તુળોમાં ચાલી રહી છે. સસ્તી પ્રસિધ્ધિ મેળવવાના આવા હિન  કક્ષાના કૃત્ય બદલ આર્ટીકલના મૂળ લેખક  કાયદાકીય પગલા લેવાના મુડમાં હોવાનું જાણવા મળે છે.

સત્તાવાર વર્તુળો દ્વારા જાણવા મળતી અને ચર્ચાતી વિગતો પ્રમાણે ગુજરાતના અગ્રણી દૈનિક દિવ્યભાસ્કર માં છેલ્લા ૮ વર્ષોથી અને ગુજરાત રોજગાર સમાચારમાં છેલ્લા ૫ વર્ષોથી કરીયર સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપતા કરિયર કાઉન્સેલર અને કોલમીસ્ટ રાજેન્દ્રભાઇ ઉપાધ્યાય ના ધર્મપત્ની તૃપ્તિબેન ઉપાધ્યાય દ્વારા ગુજરાત રોજગાર સમાચાર વિશેષાંક ૨૦૧૭માં કારકિર્દીલક્ષી આર્ટીકલ પ્રસિધ્ધ થયો હતો.

આ આર્ટીકલના હેડીંગમાં નજીવો ફેરફાર કરીને આર્ટીકલનું સમગ્ર કન્ટેન્ટસ ઉપાડી લઇ  કરિયર ગાઇડન્સ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ આર.એન. કોટકે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ૨૦૧૮માં આર્ટીકલ પોતાના નામે ચઢાવી દીધાનો ગંભીર આક્ષેપ રાજેન્દ્રભાઇ ઉપાધ્યાય દ્વારા કરાયો હોવાનું ચર્ચાય રહયું છે.

એવું પણ સાંભળવા મળે છેકે ભુતકાળમાં કરિયર ગાઇડન્સ એસો. રાજકોટ દ્વારા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ કે અન્ય કોઇ એકઝીકયુટીવ હોદેદારની મંજુરી વગર લોહાણા મહાજન રાજકોટ સાંગણવા ચોકની જગ્યામાં પોતાના સેન્ટરની   જાહેરાત કરી દીધી હતી. આ સંદર્ભેના સમાચાર વર્તમાનપત્રોમાં જે-તે સમયે પ્રસિધ્ધ થતાં અંતે આ સેન્ટર રદ કરવાની ફરજ પડી હોવાનું પણ સાંભળવા મળે છે. આ રીતે લોહાણા મહાજન રાજકોટની જગ્યા પરબારી પધરાવી દેવામાં લોહાણા યુવક મંડળ રાજકોટના જ એક હરખપદુડા અને આખો દિવસ 'ટેલીફોન' ની જેમ ટાણે કટાણે રણકતા હોદેદારની ભુમિકા પણ શંકાના દાયરામાં હોવાની ચર્ચા હતી.

અત્રે એ ઉલ્લેખનીય છેકે, રાજકોટની એક સંસ્થા તથા કરિયર ગાઇડન્સ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આવતીકાલે  રવિવારે તા.૩-૬-૧૮ ના રોજ કેસરીયા લોહાણા મહાજન વાડી કરણપરા રાજકોટ ખાતે 'સંતાનની કારકિર્દી અને પેરેન્ટીંગ' વિષય સંદર્ભે એક મનોવૈજ્ઞાનિક મેગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ સેમિનારમાં મહેમાનોમાં લોહાણા  અગ્રણી શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી તથા કરિયર ગાઇડન્સ ટ્રસ્ટના પ્રમુખ આર.એન. કોટક ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળે છે.

હવે સવાલ એ ચર્ચાય છેકે કોઇકના લેખ ચોરીને સમાજને માર્ગદર્શન આપતા  લોકો શું અને કેવું માર્ગદર્શન આપશે ? સાથે સાથે ભુતકાળમાં લોહાણા મહાજનની જગ્યામાં વગર મંજુરીએ પરબારા સેન્ટરની જાહેરાત કરનાર સંસ્થાના કાર્યક્રમમાં મહાજન પ્રમુખની  હાજરી કેટલી યોગ્ય રહેશે તે પણ મોટો સવાલ છે.  (પ.ર૭)

(4:23 pm IST)