રાજકોટ
News of Wednesday, 2nd May 2018

યમુના પાર્ક સોસાયટી ખાલી કરાવવા પાંચ ભાગીદારોએ ટોળકીને કામ સોંપ્‍યાની રહેવાસીઓની ચોંકાવનારી રજૂઆત

૨૦૧૨થી કોર્ટમાં મેટર પેન્‍ડીંગ છેઃ આમ છતાં રહેવાસીઓને રૂબરૂ તથા ફોન કરી ધમકીઓ અપાતી હોવાની ફરિયાદ

રાજકોટ તા. ૨: યુનિવર્સિટી રોડ પર ગંગોત્રી પાર્ક સામે યમુના પાર્કમાં રહેતાં આઠ રહેવાસીઓએ પોલીસ કમિશ્નર તથા યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્‍સ્‍પેક્‍ટરને પોતાના કબ્‍જા ભોગવટાની રહેણાંકની મિલ્‍કતમાં અમુક લોકો ગેરકાયદેસર અપપ્રવેશ કરી કબ્‍જો છીનવવાનો પ્રયાસ કરવા સબબ રજૂઆત કરી છે. પાંચ ભાગીદારોએ સોસાયટી ખાલી કરાવવાનું કામ ટોળકીને સોંપ્‍યાનું પણ જણાવાયું છે.

યમુના પાર્કના શોભનાબેન નારણભાઇ પરમાર, શીતાબેન ગીરજાશંકર શર્મા, કિરીટભાઇ ભોવાનભાઇ અઘેરા, શોભનાબેન મહેન્‍દ્રભાઇ વામજા, જશુભા દોલુભા જાડેજા, ચમનભાઇ વેલજીભાઇ ઝાલાવડીયા, અરવિંદભાઇ ઉદેસિંહ નકુમ અને નાગજીભાઇ મોહનભાઇ ધામેલીયાએ રજૂઆત કરી જણાવ્‍યું છે કે પોતે યમુના પાર્કમાં રૈયાના રેવન્‍યુ સર્વે નં. ૨૭/૧ પૈકીની જમીનમાં પ્‍લોટ નં. ૭૬, ૭૮, ૭૫, ૭૮/૭૯, ૭૬,  ૭૪માં જુદા-જુદા ચો.વા.માં મકાનો ધરાવે છે અને ત્‍યાં રહે છે. વર્ષોથી આ જગ્‍યાઓ કબ્‍જો ભોગવટો પોતાનો છે. પરંતુ હાલમાં સામાવાળા તથા તેના મળતીયા આ કબ્‍જો છીનવવા માટે અવાર-નવાર ફોન પર ધમકી આપી હેરાન કરે છે. આ કારણે અહિ સોૈનું રહેવું મુશ્‍કેલ થઇ ગયું છે.  આ મામલે સિનિયર સિવિલ જજશ્રીની કોર્ટમાં રે.દિ.કે.નં. ૨૦૦/૧૨થી દાવો પણ દાખલ કરેલ છે. જેમાં કોર્ટ કમિશ્નરનું પંચનામુ પણ થયેલ છે. હાલ કોર્ટમાં મેટર પેન્‍ડીંગ છે. છતાં બધા રહેવાસીઓને હેરાન કરાય છે. આ મામલે અગાઉ અરજી થતાં ૧૫-૨૦ દિવસ બધુ શાંત પડી ગયું હતું. હવે ફરીથી ઘરે આવીને અને ફોન પર ધમકીઓ આપવાની શરૂઆત થઇ છે. તેમ રજૂઆતમાં જણાવાયું છે. પાંચ ભાગીદારોએ સોસાયટીનો કબ્‍જો ખાલી કરાવવા ટોળકીને કામ સોંપ્‍યાનો આરોપ પણ અરજીમાં મુકાયો છે અને તપાસ કરાવવા માંગણી કરાઇ છે.

(4:22 pm IST)