રાજકોટ
News of Wednesday, 2nd May 2018

સુ-ભગ = સૌભાગ્ય માં, તું મારા શરીરમાં આવીને વસે છે તે જ મારૃં સૌભાગ્યઃ પૂ. દીદીજી

સ્વાધ્યાય પરિવારનો અનોખો કાર્યક્રમ – ગૌરી-અર્ચન પૂજન : પૂ. દીદીજીના હસ્તે ૧૮ હજારથી વધુ બહેનોનું પૂજન

રાજકોટ : પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રેરિત સ્વાધ્યાય પરિવારના માર્ગદર્શક પૂજનીય દીદીજીએ યાજ્ઞવલ્કય વૃક્ષમંદિરમાં સમગ્ર રાજકોટ સંઘાત (સૌરાષ્ટ્ર) ના એક સાથે ૧૮ હજારથી વધુ બહેનોનું પૂજન કર્યું હતું. સ્વાધ્યાય પરિવારના બાલ-સંસ્કાર કેન્દ્રો અને મહિલાકેન્દ્રો સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામે-ગામે અને શેરીએ શેરીએ ચાલે છે ત્યારે તેમના સંચાલક બહેનોનું પૂજન કરવાની પૂ. દીદીજીની ઘણા સમયથી ઈચ્છા હતી અને તેના જ ભાગરૂપે 'ગૌરી-અર્ચન પૂજન'ના કાર્યક્રમ દ્વારા દીદીજી આ બહેનોનું પૂજન કર્યું હતું. સૌરાષ્ટ્રના ગામેગામથી આવેલ બહેનોએ આ કાર્યક્રમમાં સમ્મિલિત થઈને કૃતકૃત્ય થયાનું અનુભવ્યું હતું અને કાર્યક્રમનું અત્યંત ભાવવાહી દ્રશ્ય ઉપસ્થિત દરેકના હૃદયને સ્પર્શી ગયું હતું.

આ વિશેષ અને અનોખા એવા પ્રસંગે પૂ. દીદીજીએ જણાવ્યું હતું કે, આપણે બધાં મળ્યા એ જ ગૌરી અર્ચન. દાદાજીના પરિવારના સંચાલક બહેનોને મળવાનું થાય અને તેની સંખ્યા પણ હજારોમાં હોય તેથી વ્યાપક કાર્યક્રમ કરવો પડે. સૌભાગ્ય એટલે શું? તેની વ્યાખ્યા કરતાં દીદીજીએ કહ્યું હતું કે, સુ-ભગ = સૌભાગ્ય. માં, તું મારા શરીરમાં આવીને વસે છે તે જ મારું સૌભાગ્ય. શંકરાચાર્ય અને જગન્નાથ પંડિત સંસારી નહોતા તો પણ સૌભાગ્ય હતા કેમ કે, ભગવાન મારા શરીરમાં આવીને વસ્યો છે તેવી તેમની પાકી સમજણ હતી. આટલું મોટું કાર્ય અને દાદાજીનું આપણને મળવું એ પણ સૌભાગ્ય છે. ભગવાન, તને ગમે તેવું જીવન જીવવું તે જ મારા જીવનનું સૌભાગ્ય છે. માં પાસેથી આશીર્વાદરૂપ સંસાર મળે તે મારા જીવનનું સૌભાગ્ય. સંસારમાં પરસ્પર એકબીજાનું એપ્રિસિએશન કરતાં રહીએ તે આપણા જીવનનું સૌભાગ્ય છે.

આ પહેલા ગૌરી-અર્ચનનો કાર્યક્રમ પુણે, નાસિક, ઔરંગાબાદ, અમદાવાદ અને વડોદરામાં સંપન્ન થઇ ચુકયો છે. 'ભગવાન મારી સાથે છે, મારી અંદર છે અને મારૃં જીવન ચલાવે છે' પૂજનીય દાદાજી એ આપેલ આ ભગવદ્વિચાર સંચાલક બહેનોએ પોતાના જીવનમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો છે તેમજ તેઓ દરેક જગ્યાએ લઇ ગયા છે. આવા બહેનોનું પૂજન દીદીજીએ કર્યું હતું. ગૌરી પૂજનમાં આવેલ બહેનોને 'વિચાર પ્રસાદ' અર્પણ કરાયો હતો. પૂજન માટેની સામગ્રી સાથે સ્વચ્છ જળ સ્વાસ્થ્ય માટે ખુબ મહત્વનો ભાગ ભજવે છે. તેથી પ્રસાદમાં, સ્વચ્છ જળ પીવા માટે ગરણી, ફટકડી પાણીમાં ફેરવવાનું ખાસ તૈયાર કરેલું મશીન, રસોઈ બનાવતી વખતે બહેનોએ માથે રાખવાનું કાપડ અને પ્રસાદીનો રૂમાલ આપવામાં આવ્યો હતો જેથી ઘરના તમામ સભ્યોને સ્વચ્છ જળ અને ભોજન પ્રાપ્ત થઇ શકે. (૩૭.૨)

(11:57 am IST)