રાજકોટ
News of Tuesday, 2nd March 2021

રાજકોટ જિલ્લાની ૯ તાલુકા પંચાયતો ભાજપના કબજામાં: વિંછીયા-જસદણમાં કોંગીને બહુમતી

ભાજપના ધૂરંધરો બાવળીયા અને બોઘરાના વિસ્તારમાં ભાજપને ફટકોઃ રાજકોટ જિલ્લા પંચાયતની રાજકોટ તાલુકાની ૨, જસદણ-વિંછીયાની ૫, ધોરાજીની ૨, પડધરીની ૧ અને કોટડાની ૧ બેઠકમાં કોંગ્રેસનો વિજય

રાજકોટ, તા. ૨ :. તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થઈ ગયુ છે. જિલ્લા પંચાયતની ૩૬માંથી ૨૫ બેઠકો ભાજપને અને ૧૧ બેઠકો કોંગ્રેસને મળી છે. ભાજપને રાજકોટ તાલુકામાં ૨, જસદણ-વિંછીયા તાલુકામાં ૫, ધોરાજી તાલુકામા ૨, પડધરીમાં ૧ અને કોટડા તાલુકામાં ૧ બેઠકનો માર સહન કરવો પડયો છે. કુંવરજીભાઈ બાવળીયા અને ભરત બોઘરાના જસદણ વિસ્તારમાં ભાજપને ફટકો લાગ્યો છે. ભાજપના વર્તુળો કહે છે કે, જસદણ-વિંછીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકોની જવાબદારી બાવળીયાને પાર્ટીએ સોંપેલ ત્યાં ભાજપનો ધબડકો થઈ ગયેલ છે. રાજકોટ જિલ્લામાં વિંછીયા અને જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળી છે.

જિલ્લાની અન્ય ૯ તાલુકા પંચાયતો રાજકોટ, લોધીકા, પડધરી, ગોંડલ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, જામકંડોરણા વગેરેમાં ભાજપનો વિજય વાવટો લહેરાયો છે.

(4:07 pm IST)