રાજકોટ
News of Tuesday, 2nd March 2021

આજે ૧૦૮૮ નાગરિકોને રસીકરણ

કોરોના સામેની રસીકરણના બીજા તબક્કામાં લોકોનો મળતો બહોળો પ્રતિસાદ : બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં ૮૪, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં ૨૩૭, ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૬૩૮ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૧૨૯ લોકો સહિત કુલ ૧૦૮૮ નાગરિકોએ રસી લીધી

 

સાંસદ તથા અધિકારીઓએ રસી મૂકાવી : આજે રસીકરણના બીજા દિવસે સાંસદ રામભાઇ મોકરિયા, રૂડાના સી.ઇ.ઓ ચેતન ગણાત્રા, તથા ડે.મ્યુ. કમિશ્નર ચેતન નંદાણીએ કોરોના સામે રક્ષણ આપતી વેકસીન મુકાવી તે વખતની તસ્વીરમાં મ.ન.પા.નાં આરોગ્ય અધિકારી શ્રી વાંઝા તેમજ નર્સીંગ સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ,તા. ૨: કેન્દ્ર સરકારશ્રી અને રાજય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં ગઈકાલથી શહેરની ૨૪ સરકારી અને ૧૪ ખાનગી હોસ્પિટલો એમ કુલ ૩૮ હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં શહેરના ૬૦ વર્ષથી મોટી ઉમરના ધરાવતા અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા લોકોનો કોરોના સામેની રસી લેવા અંગેનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ – કર્મચારીઓએ કોરોના રસીનો પ્રથમ તબક્કાનો બીજો ડોઝ લીધો હતો. આજે બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં ૮૪, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં ૨૩૭, ૬૦ વર્ષથી મોટી ઉંમરના ૬૩૮ અને ૪૫ થી ૫૯ વર્ષના કોમોર્બીડીટી ધરાવતા ૧૨૯ લોકો સહિત કુલ ૧૦૮૮ નાગરિકોએ રસી લીધી

આજે સવારે રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ બીજા તબક્કામાં કોરોનાની રસી લીધી હતી તેમજ રાજકોટ નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, રૂડાના CEA ચેતન ગણાત્રા સહિતના કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ કોરોના સામેની રસીનો બીજો ડોઝ લીધો હતો.

કોરોના રસી લેવા માટે ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા. ૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીસનર નું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, CGHS તથા PMJAY/MA yojana અંતર્ગતની ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવે છે. સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે આપવામાં આવે છે, જયારે ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૧૦૦/- વહીવટી ખર્ચ અને રૂ. ૧૫૦/- રસીની કિંમત લાભાર્થી પાસેથી લેવામાં આવશે.

(4:05 pm IST)