રાજકોટ
News of Tuesday, 2nd March 2021

શહેર કરતા ગ્રામીણ મતદારો 'સ્માર્ટ' નિકળ્યા

લે...બોલ... રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ૧૪,૪૪૬ મત નોટા ને ગયા !!

સૌથી વધુ ડુમિયાણીના ૧૦૬૪ લોકોને કોઇ ઉમેદવાર ગમ્યા નહી : સૌથી ઓછા ભાડલામાં ૨૧૩ મત નોટાને

રાજકોટ તા. ૨ : આજે રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોનું પરિણામ જાહેર થતાં જ આશ્ચર્ય સર્જાય તેવું પરિણામ જોવા મળ્યું હતું. કેમકે આ ચુંટણીમાં ૯.૬૧ લાખ મતદારો પૈકી ૬૧.૩૦ ટકા લોકોએ મતદાન કર્યું હતું અને તેમાંથી ૧૪,૪૪૬ મત નોટાને ગયા હતા. એટલે કે આ ૧૪ાા હજાર લોકોને ભાજપ - કોંગ્રેસ સહિત કોઇપણ ઉમેદવારો ગમ્યા ન હતા.

રાજકોટની જે ૩૬ બેઠકોમાં નોટાને મત ગયા છે તેના સત્તાવાર આંકડાઓ મુજબ આણંદપરમાં ૨૧૫, આટકોટમાં ૩૯૮, દેરડીમાં ૩૭૭, બેડલામાં ૬૫૯, ભાડલામાં ૨૧૩, ભડલીમાં ૩૪૮, બોરડી સમઢીયાળામાં ૩૮૩, કુવાડવામાં ૪૨૧, લોધીકામાં ૩૭૦, પીપરડીમાં ૫૫૨, મોવિયામાં ૨૩૫, પડધરીમાં ૪૧૪, પાનેલી મોટીમાં ૨૪૧, પારડીમાં ૨૭૬, પેઢડામાં ૭૭૨, ચરખડીમાં ૨૬૦, દળવી ૫૦૩, ડુમિયાણી ૧૦૬૪, જામકંડોરણા ૨૮૨, કમળાપુર ૪૬૮, ત્રંબા-૨૪૫, કોલીથડ-૨૪૫, કોલકી ૩૭૫, કોટડાસાંગાણીમાં ૩૮૫, પીપરડીમાં ૪૫૯, સાણથલીમાં ૨૩૭, શિવરાજગઢમાં ૪૦૦, સુપેડીમાં ૫૫૬, થાણાગાલોલમાં ૩૧૦, શાપર વેરાવળ ૪૬૫, વિંછીયા ૨૬૪ અને વિરપુર ૭૧૫.

આમ ઉકત તમામ ૩૬ બેઠકો પૈકી સૌથી વધુ ડુમિયાણીના ૧૦૬૪ મતદારોએ નોટાને મત આપ્યો જ્યારે સૌથી ઓછા ભાડલામાં ૨૧૩ લોકોને ઉમેદવારો ગમ્યા નહીં.

આમ, સરેરાશ ૨૦૦થી ૨૨૫ જેટલા મતદારોએ 'નોટા'ને મત આપ્યા. આમ શહેર કરતા ગ્રામીણ મતદારો વધુ સ્માર્ટ નિકળ્યા હોવાની ચર્ચા થઇ રહી છે. કેમકે શહેરની મ.ન.પા.ની ચૂંટણીમાં નોટાના મત માંડ-માંડ બે આંકડા સુધી પહોંચતા હોય છે.

નોંધનિય છે કે રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬માંથી ૨૬ બેઠક ભાજપે કબ્જે કરી છે અને ૧૦ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે.

(4:04 pm IST)