રાજકોટ
News of Tuesday, 2nd March 2021

જિલ્લા - તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ સ્થળોએ ટોળા ઉમટયા

કોરોના પ્રોટોકોલની ઐસી કી તૈસી : ભાજપના પ્રચંડ વિજયથી લોકોમાં જબરો ઉત્સાહ : ચોમેર વિજયોત્સવ

રાજકોટ તા. ૨ : બપોરે ૧૨ વાગ્યે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ૮૪૭૪ બેઠકોમાંથી ૧૯૦૦ના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાં ૧૨૧૦ ભાજપ, ૨૮૯માં કોંગ્રેસ અને અન્ય પક્ષો આગળ છે. અથવા જીતી ચૂકયા છે. વહેલી સવારથી મત ગણતરી સ્થળો પર અધિકારીઓ અને રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરોના ટોળા ભેગા થવા લાગ્યા છે.

આજે ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, ત્યારે જનતા કોને પંચાયતોનો તાજ પહેરાવશે તે અંગે લગભગ બપોર સુધીમાં નિર્ણય થઇ જાય એવી શકયતા છે. મોટાભાગના સ્થળે ભાજપ વિજય માર્ગે છે. રાજકોટમાં વિરાણી હાઇસ્કુલની બહાર વિવિધ ગામોથી વાહનો લઇને સવારથી લોકો ઉમટી પડયા છે. ચુંટણીના પરિણામોને લઇને જાહેર જનતામાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે જે વિડીયો વાયરલ થયા છે તેમાં કોરોનાના તમામ પ્રોટોકોલ નેવે મુકાયાનું સ્પષ્ટ દર્શાય છે. માસ્ક પહેર્યા નથી, સોશ્યલ ડીસ્ટન્સ જળવાયું નથી અને લોકો કોરોનાની ગાઇડ લાઇન ભૂલ્યા છે.

જ્યારે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે આ લાપરવાહી ભારે પડી શકે તેવો ભય સર્જાયો છે. હવે ગામડાઓમાં કોરોનાના કેસ વધવાનો ભય સર્જાયો છે.

(3:19 pm IST)