રાજકોટ
News of Friday, 2nd February 2018

મન પડે ત્યારે રસ્તા ખોદી નાખતી કંપનીઓને મંજુરીની બાબતમાં જરાય ગંભીરતા નથી

વોર્ડ નં. ર ના જાગૃત કાર્યકર દશરથસિંહ વાળાની સક્રીયતાથી મોટુ કૌભાંડ છતુ : ચૌધરી હાઇસ્કુલ પાસે રાત્રીના સમયે ચાલતા કામમાં તપાસ કરાતા ત્રણ વર્ષ પહેલાની મંજુરીનો પત્ર બતાવાયો

રાજકોટ તા. ૨ : આડેધડ રસ્તા ખોદી નાખતી કંપનીઓ મંજુરીની બાબતને જરાય ગંભીરતાથી લેતી ન હોવાનું એક કૌભાંડ વોર્ડ નં. ૨ ના કાર્યકર દશરથસિંહ વાળાની સક્રીયતાથી બહાર આવ્યુ છે.

તાજેતરમાં ચૌધરી હાઇસ્કુલ પાસે નવા જ ડામર કામ થયેલ કસ્તુરબા રોડ પર કોઇ અમદાવાદની ડીફેન્સ સર્વીસ દ્વારા રસ્તો ખોદીને કેબલ નાખવાનું કામ ચાલી રહ્યુ હતુ. ત્યારે દશરથસિંહે જઇને મંજુરીનો પત્ર માંગતા ત્રણ વર્ષ પહેલા અને એ પણ ત્રણ માસમાં કામ પુરી કરી લેવાનો મંજુરી પત્ર બતાવવામાં આવ્યો.

મતલબ મંજુરીની બાબતમાં આ રીતે રસ્તા ખોદી નાખનારાઓને જરાય ગંભીરતા હોવાનું દશરથસિંહ વાળાએ એક યાદીમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ છે કે આ એક કિસ્સાની વાત નથી શહેરમાં કયાંકને કયાંક આ રીતે રસ્તા ખોદીને કેબલ નાખવાના કામો ચાલુ જ હોય છે. આવા કામો રવિવારે રજાના દિવસે કે રાત્રીના સમયે જાણી જોયને આટોપી લેવાતા હોય છે. જેથી કોઇ ફરીયાદી અવાજ ઉઠાવે તો પણ કંઇ થઇ ન શકે.આ રીતે રસ્તાઓ ખોદી નાખ્યા પછી લેવલીંગ કરવાની દરકાર પણ લેવાતી ન હોવાની લોકોમાં મોટી ફરીયાદ રહી છે. ડીફેન્સ સર્વીસના નામે મંજુરી વગર રસ્તા ખોદી નાખતી આવી કંપનીઓના કાન આમળવા તંંત્ર કેમ કોઇ પગલા લેતુ નથી.  તેવા સવાલો સાથે દશરથસિંહ વાળાએ મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ જરૂરી પુરાવાઓ સાથે રજુઆત કરી છે.

(3:55 pm IST)