રાજકોટ
News of Wednesday, 2nd January 2019

રાજકોટની બેંકમાંથી ડિમાન્ડ ડ્રાફટમાં ચેકચાક કરી ઉચાપત કરવાના ગુન્હામાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા. ૨ : રાજકોટની સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની બ્રાંચમાંથી અન્યના નામના લાખોની રકમના ડિમાન્ડ ડ્રાફટમાં ચેકચાક કરી વટાવવાનો પ્રયત્ન કરવા સબબનો આરોપીઓ સામેનો કેસ ચાલી જતા રાજકોટના એડી. ચીફ જ્યુ. મેજી.ની કોર્ટએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

આ અંગેની ટૂંકમાં વિગત એવી છે કે, રાજકોટના અશોક અમૃતલાલ ભેડા, ઈશ્વરલાલ જીવનલાલ ભુચડા તથા કિશોર ભીમજીભાઈ જાદવે એકબીજા સાથે મીલાપીપણુ કરી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની લીમડી શાખામાંથી આવેલ રૂ.૨,૯૨,૧૭૯ની કિંમતનો ડિમાન્ડ ડ્રાફટ કે જે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નામનો હતો તે ડિમાન્ડ ડ્રાફટ આરોપીઓએ ગેરકાયદેસર પોતાના કબજામાં લઈ તેમાં ચેકચાક કરી આરોપી ઈશ્વરલાલ ભુચડાએ તે ડિમાન્ડ ડ્રાફટમાં પોતાનું નામ લખી તે ડ્રાફટ રાજકોટ નાગરીક સહકારી બેંક સોરઠીયાવાડી શાખામાં તે ડ્રાફટ જમા કરાવવા નાખેલ અને તેમાં અન્ય આરોપીઓએ તેઓને મદદગારી કરેલ. જે કામમાં રાજકોટના સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના બ્રાંચ મેનેજરે પોલીસમાં ફરીયાદ કરતાં પોલીસે રાજકોટ નાગરીક સહકારી બેંક, સોરઠીયાવાડી શાખાએથી આરોપી ઈશ્વરલાલ જીવણલાલ ભુચડાની તથા આરોપી અશોક અમૃતલાલ ભેડાની ધરપકડ કરી તમામ આરોપીઓ વિરૂદ્ધ ઈ.પી.કો.ક. ૪૬૫, ૪૬૭, ૪૭૦, ૪૭૧, ૧૧૪ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ વિરૂદ્ધ પુરતો પુરાવો એકઠો કરી તપાસના અંતે રાજકોટની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ.

ત્યારબાદ સદરહું કેસ ચાલવા ઉપર આવતા પક્ષનો પુરાવો તથા સરકાર પક્ષે થયેલ રજૂઆત તથા આરોપીઓના વકીલ શ્રીઓની દલીલ ધ્યાને લઈ રાજકોટના છઠ્ઠા એડી. ચીફ. જ્યુ. મેજી. શ્રીએ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી નં.૧ તથા ૨ વતી રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલ, મલ્હાર સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેશ વેકરીયા, હેમલ ગોહેલ, હિતેષ ભાયાણી, વિશાલ સોલંકી, કોમલ કોટક અને અજય દાવડા રોકાયેલ હતા. તેમજ આરોપી નં.૩ વતી રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી પિયુષભાઈ શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદ પારેખ, નીતેષ કથીરીયા, હર્ષિલ શાહ, જીતેન્દ્ર ધુળકોટીયા, વિજય પટગીર, વિજય વ્યાસ રોકાયેલ હતા.(૩૭.૪)

(11:47 am IST)