રાજકોટ
News of Tuesday, 1st December 2020

મ.ન.પા.માં હવે ભાજપનું માત્ર ૧૪ દિ'નું 'કોરન્ટાઇન' : શાસન મુદ્દત પૂર્ણ થશે : મુદ્દત વધશે કે વહીવટદાર રાજ?

છેલ્લા વર્ષમાં કોરોનાએ શાસકોની અનેક મહેચ્છાઓ પર પાણી ફેરવી દીધું : આરોગ્ય ક્ષેત્રે સતત દોડધામ : લોકરોષનો સામનો કરવો પડયો : વિકાસકામો ટલ્લે ચડયા : સતત દોષારોપણનો સામનો પણ કરવો પડયો

રાજકોટ તા. ૧ : મહાનગર પાલિકામાં આજથી હવે માત્ર ૧૪ દિવસ સુધી જ ભાજપ શાસન રહેશે. કેમકે ૧૪ ડીસેમ્બર શાસનની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થશે એટલે વર્તમાન કોરોના કાળની ભાષામાં કહીએ તો હવે મ.ન.પા.માં ભાજપ માત્ર ૧૪ દિ' જ 'કોરન્ટાઇન' રહેશે. જો કે વર્તમાન સંજોગોમાં ચૂંટણી યોજવી અશકય હોઇ સરકાર શાસકોની મુદ્દત લંબાવશે કે પછી વહીવટદારનું રાજ આવશે તે જોવાનું રહ્યું.

૨૦૧૫માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માત્ર ૪ બેઠકોના ફેર આવતા ભાજપનું શાસનમાં બેઠુ અને કોંગ્રેસ મજબૂત વિપક્ષ બન્યો. પાંચ વર્ષ દરમિયાન ભાજપ શાસકોએ નવા બ્રીજ, સૌની યોજના, કોમ્યુનિટી હોલ, ઓવરબ્રીજ, સ્માર્ટ સિટી વગેરે જેવા અનેક સિમા ચિન્હરૂપ વિકાસકાર્યો કર્યા પરંતુ શાસન છેલ્લા વર્ષ ૨૦૨૦માં ભાજપ શાસકોની અગ્નિ પરીક્ષા લેવાઇ રહી છે. અનેક મહેચ્છાઓ - મહત્વકાંક્ષી યોજનાઓ અધુરી રહી ગઇ છે. કોરોના સંક્રમણ, લોકડાઉન વગેરે પરિબળોને કારણે શાસકો સતત આરોગ્ય ક્ષેત્રે દોડતા રહ્યા છે. સાથોસાથ લોકરોષ અને વિપક્ષના દોષારોપણનો સામનો કરી રહ્યા છે.

આમ, કોરોના કાળમાં હાથ બંધાઇ ગયાની સ્થિતિમાં શાસકોને ભારે મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. આમ છતાં બને તેટલા વધુ પ્રયાસોથી રાજકોટવાસીઓને વધુ સુદ્રઢ આરોગ્ય સેવા માટે પ્રયત્નશીલ રહ્યા છે.

હવે શાસનની મુદ્દત વધશે તો ફરી આરોગ્ય ક્ષેત્રના કાળમાં જોતરાવું પડશે અને વહીવટદાર રાજ આવશે તો ચૂંટણી સુધી સતત લોકો વચ્ચે રહીને લોકોની સમસ્યા દુર કરવામાં વર્તમાન કોર્પોરેટરોએ કામે લાગી જવું પડશે.

(3:22 pm IST)