રાજકોટ
News of Tuesday, 1st December 2020

૭ લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

કુવાડવા રોડ નવાગામ પેટ્રોલ પંપ નજીક કાર્યવાહીઃ જીજે૧૨એકસ-૩૬૫૫માં પ્લાસ્ટીકના કોથળાઓના જથ્થા પાછળ છુપાવ્યો'તો જથ્થો : મુળ જામનગરના જાંબુડાના નવાગામ (ઘેડ)ના ધર્મેન્દ્ર ગોહેલની ધરપકડઃ દારૂ-બિયર-ટ્રક મળી રૂ. ૧૭.૧૧ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં દારૂ-બિયરના ટ્રક સાથે પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ સાખરા અને ટીમ તથા ઠાઠામાં પ્લાસ્ટીકના બારદાનનો જથ્થો અને અંદરથી મળેલી દારૂ-બીયરની પેટીઓ જોઇ શકાય છે.  : વિગતો જણાવતાં એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી અને પીએસઆઇ પી. બી. જેબલીયા, એસ.વી. સાખરા સહિતના નજરે પડે છે.

રાજકોટ તા. ૧: શહેર ક્રાઇમ બ્રાંચે સતત બીજા દિવસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. કુવાડવા રોડ નવાગામ નજીક બંસલ પેટ્રોલ પંપ પાસેથી રૂ. ૭,૦૨,૦૦૦નો દારૂ-બીયરનો જથ્થો ભરેલો ટ્રક ઝડપી લઇ નવાગામ ઘેડના મુળ જામનગરના જાંબુડાના કોળી શખ્સ ધર્મેન્દ્ર દિલીપભાઇ ગોહેલ (ઉ.વ.૩૦)ને પકડી લઇ કુલ રૂ. ૧૭,૧૧,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો દમણથી ભર્યો હતો. કોને આપવાનો હતો? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જીજે૧૨એકસ-૩૬૫૫ નંબરનો ટ્રક બામણબોર તરફથી આવી રહ્યો છે અને તેમાં પ્લાસ્ટીકના કોથળાના જથ્થાની પાછળ દારૂ-બીયરનો જથ્થો છુપાવાયો છે. આ બાતમીને આધારે ટીમે વોચ રાખતાં બાતમી મુજબનો ટ્રક આવતાં જ અટકાવાયો હતો. ઠાઠામાં જોતાં પ્લાસ્ટીકના બારદાનનો જથ્થો જોવા મળ્યો હતો. ટીમે બારદાનનો જથ્થો દૂર હટાવતાં જ પાછળથી દારૂ-બીયરની પેટીઓ ભરેલા કોથળા મળી આવ્યા હતાં.

ગણતરી કરતાં રૂ. ૬,૮૫,૨૦૦નો ૧૬૬૮ બોટલ દારૂ અને ૧૬૮૦૦ના ૧૬૮ બીયરના ટીન મળી કુલ રૂ. ૭,૦૨,૦૦૦નો દારૂ-બીયર મળતાં કબ્જે કરી ૧૦ લાખનો ટ્રક પણ જપ્ત કર્યો હતો. દારૂના જથ્થામાં મેકડોવેલ્સ નંબર વન, બ્લેન્ડર્સ પ્રાઇડ, ઓલ્ડ મોન્ક રમ કાચની બોટલો, ઓલ્ડ મોન્ક રમ પ્લાસ્ટીકની બોટલો અને હેવર્ડસ બીયરના ટીન સામેલ છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એસ. વી. સાખરા, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. અંશુમનભા ગઢવી સહિતની ટીમે આ કામગીરી કોન્સ. દેવાભાઇ ધરજીયા, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા અને જીજ્ઞેશભાઇ મારૂની બાતમી પરથી કરી હતી.

પોલીસે ટ્રક ચાલક નવાગામ (ઘેડ) ઇરવીન હોસ્પિટલ પાછળ મધુરમ સોસાયટીમાં રહેતાં મુળ જામનગરના જાંબુડાના ધર્મેન્દ્ર દિલીપભાઇ ગોહેલ (કોળી) (ઉ.વ.૩૦)ની ધરપકડ કરી પુછતાછ કરતાં દમણથી દારૂ લાવ્યાનું અને ફોન આવે તેને આપવાનો હોવાનું તેણે રટણ કર્યુ હતું. તે માત્રે ડ્રાઇવર છે. દારૂનો જથ્થો કોણે મોકલ્યો? કોણે મંગાવ્યો? તેની તપાસ થઇ રહી છે. 

બૂટલેગરોના નીતનવા નુસ્ખા

બૂટલેગરો શાકભાજીના કેરેટની આડમાં, કુરીયર મારફત, ગાદલાની આડમાં અને હવે કોથળાની આડમાં દારૂ લાવ્યા હતાં. જે ક્રાઇમ બ્રાંચે પકડ્યો છે.

૩૧મીની તૈયારી અત્યારથી જ કરી લેવા બૂટલેગરો મેદાને

.એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ કહ્યું હતું કે આગામી દિવસોમાં ૩૧મી ડિસેમ્બર આવી રહી હોઇ બૂટલેગરો અત્યારથી જ સક્રિય થઇ ગયા છે. આવા બૂટલેગરોને દબોચી લેવા શહેર પોલીસ પણ સક્રિય છે. તે અંતર્ગત સતત બીજા દિવસે ક્રાઇમ બ્રાંચે દારૂનો મોટો જથ્થો પકડ્યો છે અને બૂટલેગરોના નીતનવા નુસ્ખા પણ ઉઘાડા પાડ્યા છે. આગામી દિવસોમાં પણ બૂટલેગરો પર પોલીસની ધોંસ યથાવત રહેવાની છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ અને બંને ડીસીપીશ્રીની રાહબરીમાં સમગ્ર કાર્યવાહી થઇ રહી છે.

 

(3:19 pm IST)