રાજકોટ
News of Tuesday, 1st December 2020

દેશભરમાં ગુજરાત સૌથી વધારે મૂડીરોકાણ ધરાવતું રાજયઃ રાજુભાઈ ધ્રુવ

કોરોનાની મહામારીમાં પણ વિજયભાઈની પ્રજાલક્ષી નીતિઓના ઝડપી અમલીકરણના લીધે : દેશમાં આવેલા કુલ મૂડીરોકાણમાંથી ૫૩ ટકા મૂડી રોકાણ ફકત ગુજરાતમાં: રાજય સરકારની સિધ્ધિ

રાજકોટઃ કોરોના કાળ દરમિયાન ગુજરાત સરકારે લીધેલાં સકારાત્મક પગલાંની અસર સર્વત્ર વર્તાઇ રહી છે. એક તરફ આ મહામારીએ સમગ્ર વિશ્વના આર્થિક વિકાસ સામે અવરોધ અને પ્રશ્નો ઊભા કર્યા છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણમાં આ સમયગાળા દરમિયાન સારો એવો વધારો થયો છે. કોરોના સમયમાં સૌથી વધારે વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં થયું છે. આ અંગે રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે રાજયના કાર્યદક્ષ, ગતિશીલ, યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમા રાજયે કરેલાં વિકાસનું આ ઝળહળતું પરિણામ છે.

 દેશ-વિદેશના રોકાણકારોને ગુજરાતમાં વેપાર કરવા માટે આકર્ષવા માટે એક વાતાવરણ ઊભું થયું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લીધેલા એક પછી એક નિર્ણયની સારી અસર દેખાઇ રહી છે. ગુજરાતની શાંતિ, સલામતિ, જેવી અનેક બાબતના લીધે રોકાણકારો અહીં આકર્ષાયા છે. નરેન્દ્રભાઇ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શરુ કરેલી વાઇબ્રન્ટ ગુજરાતની પરંપરાથી વિદેશી રોકાણકારો અહીં આકર્ષાતા રહ્યા છે. અને વિજયભાઇએ સુશાસન થકી એ પરંપરા ચાલુ રાખી છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહનાં નિર્ણયો પણ ગુજરાતમાં વિક્રમજનક રોકાણ થવા પાછળ જવાબદાર છે.

આંકડાકીય વિગત આપતાં રાજુભાઇએ જણાવ્યું હતું કે ૨૦૨૦-૨૦૨૧ના પ્રથમ છ માસમાં દેશમાં ૨.૨૪ લાખ કરોડથી વધારે મૂડી રોકાણ થયું છે.જે ગયા વર્ષ એટલે કે ૨૦૧૯-૨૦૨૦ના પ્રથમ છ માસની સરખામણીમાં ૧.૮૨લાખ કરોડ વધારે છે. ગુજરાતે આ નાણાકીય વર્ષમાં ૧.૧૯ લાખ કરોડના વિદેશી રોકાણને આકર્ષ્યું છે. દેશમાં કુલ જે વિદેશી રોકાણ થયું છે એમાનું ૫૩ ટકા રોકાણ ગુજરાતમાં થયું છે. કર્ણાટક, માહારાષ્ટ્ર, દિલ્હી, તામીલનાડુ, ઝારખડ વગેરે રાજયોનો ક્રમ ગુજરાત પછી છે. ગુજરાતમાં સર્વીસ સેકટરમા સૌથી વધારે રોકાણ થયું છે. જયારે નાણા, બેન્કિંગ, રીસર્ચ વગેરે ક્ષેત્રોમાં ૧૭ ટકા મૂડી રોકાણ થયું છે. રાજુભાઇએ ઉમેર્યું કે કોરોના સંક્રમણને રોકવા તબીબી સહાય, લોકોને સુવિધા પહોંચાડવા માટે વહીવટી તંત્રની સજ્જતા, કાયદો જાળવવા માટે પોલીસનું સજ્જ તંત્ર એ બધી ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સિધ્ધિ તો ઊડીને આંખે વળગે છે. સાથે જ આ ક્ષેત્રે પણ નોંધપાત્ર કામ થયું છે.

વિજયભાઇની સકારાત્મક શૈલી, અધિકારીઓ સાથે સતત મસલત કરવી અને કોઇ પણ સંજોગોમાં રાજયનો વિકાસ ન અટકે એ રીતે કામ કરવાની પધ્ધતિને લીધે આ શકય બન્યું છે. અંતમાં તેમણે કહ્યું હતું કે કોરોનાકાળમાં પણ વિદેશી કંપનીઓ સાથે રાજય સરકારે સંપર્ક ચાલુ રાખ્યો હતો. અમેરિકા, બ્રિટન,જાપાન જેવા દેશો સાથે વેબીનાર દ્વારા સંપર્ક કર્યા. નવી નીતિનો અમલ, કોઇ પણ દરખાસ્તને ઝડપી મંજુરી જેવા પગલાં લીધાં એને લીધે આ શકય બન્યું છે. એપ્રિલ ૨૦૨૦ થી સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન કુલ ૧,૧૯,૫૬૬ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ ગુજરાતમાં આવ્યું છે.કોરોના મહામારીના વિપરીત સંજોગોમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા રાજય સરકારના લાગુ પડતા તમામ વિભાગો તથા સમગ્ર વહીવટી તંત્રની કામગીરી પ્રશંસનિય રહી છે તેમ રાજુભાઇ ધ્રુવે યાદીના અંતમાં જણાવ્યું છે.

(12:56 pm IST)