રાજકોટ
News of Tuesday, 1st December 2020

જાથા દ્વારા ચંદ્રગ્રહણની સાચી સમજ સાથે ફળકથનની હોળી : ઠેરઠેર નિદર્શન કાર્યક્રમો

રાજકોટ : ગઇકાલે દેશ અને દુનિયામાં માદ્ય ચંદ્રગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો જોવા મળ્યો હતો. ભારતના અમુક રાજયોમાં આ ખગોળીય ઘટના જોવા મળી હતી. ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ઠેરઠેર ગ્રહણની સાચી સમજ અને ફળકથનની હોળી તેમજ ગેરમાન્યતાના ખંડનના કાર્યક્રમો હાથ ધરાયા હતા. રાજયકક્ષાના કાર્યક્રમનું ઉદ્દઘાટન જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ ઇન્ટરનેટ પર નિદર્શન અને ગેરમાન્યતાના ખંડનમાં ચા-નાસ્તો આરોગી સાચી સમજ આપીને કરાવ્યુ હતુ. વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં વર્ષો જુની માન્યતાઓને તિલાંજલીની અપીલ કરાઇ હતી. ગ્રહણ માત્ર ભુમિતિની રમત અને પરિભ્રમણ સાથે ખગોળીય ઘટના હોવા સંબંધિ સાચી માહીતી શેર કરવામાં આવી હતી. પૃથ્વીના પડછાયાના કારણે ચંદ્રની તેજસ્વીતામાં ૦.૧૫ એમ. ઘડાટો જોવા મળ્યો હતો. પૃથ્વીના પડછાયાની અસર ચંદ્ર ઉપર સ્પષ્ટ જોવા મળી હતી. દર વર્ષે ચંદ્ર પૃથ્વીથી અંદાજે ૪ સે.મી. જેટલો ખસે છે. પ હજાર વર્ષમાં પૃથ્વી પર આશરે ૨૩૦૦૦ ચંદ્ર-સુર્યગ્રહણો પસાર થઇ ચુકયાની માહીતી જાથા દ્વારા અપાઇ હતી. ઇન્ટરનેટના માધ્યમથી પળેપળની વિગતો જિલ્લા મથકો સુધી પહોંચતી કરાઇ હતી. વિવિધ સ્થળોએ વિજ્ઞાન જાથા દ્વારા થયેલ ચંદ્રગ્રહણ નિદર્શન અવલોકન અને ગેરમાન્યતા ખંડનના કાર્યક્રમોની ઝલક તસ્વીરમાં નજરે પડે છે.

(11:54 am IST)