રાજકોટ
News of Tuesday, 1st December 2020

જયનાથ કોવિડમાં આગનો કોલ મળતાં જ અઢી મિનીટમાં પહોંચી ગઇ ભકિતનગર પોલીસ

ફાયર બ્રિગેડ, ૧૦૮, કયુઆરટી ટીમ પણ પહોંચી ગયાઃ ફસાયેલાઓને હેમખેમ બચાવ્યાઃ સફળ મોકડ્રીલઃ હોસ્પિટલના અગ્નિશામક યંત્રોની પણ ચકાસણી થઇ

ચાર દિવસ પહેલા ઉદય કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં પાંચ દર્દીઓના મોત નિપજ્યાની ઘટના બાદ તંત્રો હરકતમાં આવ્યા છે અને ધડાધડ હોસ્પિટલોના ચેકીંગ થઇ રહ્યા છે. તેમજ મોકડ્રીલ પણ યોજવામાં આવી રહી છે. ગત સાંજે ભકિતનગર પોલીસે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલ જયનાથ કોવીડ-૧૯ હોસ્પિટલમાં એક મોકડ્રીલનું આયોજન કર્યુ હતું. હોસ્પીટલના ડોકટર તરફથી પોલીસ સ્ટેશનને ફોન કરી જયનાથ હોરપીટલમાં બીજા માળે આગ લાગ્યાની જાણ કરવામાં આવતાં અને રૂમમાં બે થી ત્રણ લોકો ફસાયેલા છે તેવું જણાવતાં જ બે થી અઢી મીનીટમાં પીઆઇ જે. ડી. ઝાલા તથા બીજા કર્મચારીઓ પહોંચી ગયા હતાં અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આઠેક મિનીટ જેટલા સમથમાં ૧૦૮ની ટીમ તેમજ ટેકનીશ્યનની ટીમ તથા પોલીસ કંટ્રોલ રૂમ તરફથી કયુ.આર.ટી.ની ટીમ પણ પહોંચી ગઇ હતી. બીજા માળે એક મહિલા દર્દી ફસાયા હોઇ તેમને ફાયર બ્રિગેડના જવાનોએ ખભે ઉચકી બચાવી લીધા હતાં. પોલીસે હોસ્પિટલના અગ્નિશામક યંત્રો તપાસતાં તે બરાબર ચાલુ હાલતમાં જણાયા હતાં. પોલીસે પીપીઇ કીટ પણ તૈયાર રાખી હતી.
 

(12:54 pm IST)