રાજકોટ
News of Friday, 1st November 2019

પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં જ્ઞાનપંચમી નિમિતે જ્ઞાનપૂજન યોજાયું

સૌરાષ્ટ્રના સિંહણ, તીર્થસ્વરૂપા, વચનસિધ્ધિકા : દરેકને રૂ.૬૦ની પ્રભાવનાઃ માનવ મહેરામણ ઉમટયું

રાજકોટ,તા.૧૧: ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે જ્ઞાનપંચમીના પર્વ નિમિતે જ્ઞાનપૂજનનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં જેમાં સ્વરકિન્નરી બા.બ્ર.પૂ. શ્રી સોનલબાઈ મહાસતીજીના શ્રીમુખેથી ભવ્ય જ્ઞાનનો મહિમા તેમ જ શ્રુતદેવ, શ્રુતદેવીના, હંસવાહિનીના જાપ યોજાયા હતા.

દરેક ભાઈ- બહેનોને જ્ઞાન પુસ્તકનું કેસર- ચંદનથી પૂજન કરાવવામાં આવ્યું. પૂ.સોનલબાઈ મહાસતીજીએ ખાસ ફરમાવ્યું કે આજની પાંચમ પંચમગતિ અપાવે તેવુ કેવળજ્ઞાન મેળવજો. મતિજ્ઞાન- શ્રુતજ્ઞાન- અવધિજ્ઞાન- મન પર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન મેળવવા હમેંશા તત્પર રહો તત્કાલ આરાધના કરો. આ સાથે પૂ.મહાસતીજીએ આદેશ આપેલ કે દર પાંચમે ૫૧  લોગસ્સનો કાઉસ્સગ, ૫૧ વંદના, ૫૧ નમો નાણંસ્સની  માળા કરવી.

આજે બધા સાધકોએ ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં જ્ઞાનપંચમીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. પૂ.મહાસતીજીએ ફરમાવેલ કે પુસ્તકની જરા પણ અશાતના કરશો નહિ, તિરસ્કાર- અરૂચિ કરશો નહિ, સમ્યકજ્ઞાનના પાંચ ખમાસમણા આપેલ હતા. આ પ્રસંગે સોનલ સેવા મંડળ, સોનલ સિનિયર સિટીઝન, સોનલ સાહેલી મંડળ, સોનલ સખી મંડળ, સોનલ સાહેલી ગ્રુપ, સોનલ સહારા ગ્રુપ, સોનલ સેવા ગ્રુપ, સોનલ શિશુમંડળ, બધાએ જ્ઞાનપૂજનમાં ખાસ ઉપસ્થિત રહી જ્ઞાનપૂજન કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે અશોકભાઈ દોશી, નિલેશભાઈ શાહ, જયેશભાઈ માવાણી, પ્રદિપભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, ભૂપેન્દ્રભાઈ મહેતા, પ્રફુલ્લભાઈ વોરા, રમેશભાઈ દોશી, વિમલભાઈ મહેતા, જયભાઈ વોરા, આનંદભાઈ દોશી, નરેન્દ્રભાઈ મહેતા, મૌલિકભાઈ, આશિષભાઈ, રમેશભાઈ, રાકેશભાઈ, રોહિતભાઈ, પરેશભાઈ દફતરી, રાજીવભાઈ ઘેલાણી, ગૌરવભાઈ દોશી, ગાંધીભાઈ, પ્રતાપભાઈ,  આદિ નામી- અનામી ઘણાં દાતાઓ- આગેવાનો- શ્રેષ્ઠીવર્યો સંઘના પદાધિકારીઓ હાજર રહી જ્ઞાનપૂજન કરી ધન્ય બન્યા હતા.

નાલંદા તીર્થધામમાં દિપાવલી પર્વના ચાર દિવસ અને આજે પૂ.મહાસતીજીના દર્શન-વંદનનો લાભ લેવા માનવ મહેરામણ ઉમટી પડયો હતો. તીર્થધામમાં એકએકથી ચડિયાતા- ધર્મના- માનવસેવા- જીવદયાના કાર્યો કલ્યાણકારી રીતે થઈ રહ્યા છે. જ્ઞાનપૂજન કરનાર દરેક આરાધકને રૂ.૬૦ની પ્રભાવના આપવામાં આવી હતી.

(3:27 pm IST)