રાજકોટ
News of Thursday, 1st November 2018

પીવાના પાણી તથા નમકમાં પ્લાસ્ટિકનું પ્રદુષણઃ પ્રતિ લીટર ૧૦.૪ કણો

ન્યુયોર્ક યુનિર્વસીટીના વૈજ્ઞાનિકોએ પાંચ ખંડોમાં કર્યુ પરિક્ષણઃ દિલ્હીથી લઈ ન્યુયોર્ક સુધી પ્લાસ્ટીકના અંશો મળ્યા : ૬ વર્ષથી ઉપરના ૯૩ લોકોમાં પ્લાસ્ટીક મળી આવ્યુઃ ૯ દેશોના ૧૯ શહેરોની ૧૧ કંપનીની ૯૩ ટકા મીનરલ વોટરની બોટલ્સ પણ જોખમી

પ્લાસ્ટિકનું પ્રદૂષણ માનવ આરોગ્ય માટે ખતરનાક બની ગયું છે. જે લોકો પીવા માટે બોટલનું પાણી વાપરે છે, તેમના પેટમાં પ્લાસ્ટિકના અતિ સૂક્ષ્મ કણો પ્રવેશી જાય છે. એક અભ્યાસ મુજબ બજારમાં મળતા પેકેજડ ડ્રિન્કિંગ વોટરની ૯૩ ટકા બોટલમાં પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો મળી આવ્યા હતા. બીજો અભ્યાસ કહે છે કે દરિયાનાં પાણીમાંથી જે મીઠું પકવવામાં આવે છે તેના ૯૦ ટકામાં પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો હોય છે, કારણ કે મનુષ્ય જાત દ્વારા પ્લાસ્ટિકનો કચરો દરિયામાં ઠાલવવામાં આવે છે. ત્રીજો અભ્યાસ કહે છે કે માણસ ભોજન કરે છે તેમાં પણ પ્લાસ્ટિકના સરેરાશ ૧૧૪ કણો હોય છે.

દરિયામાં અને દરિયાઇ પ્રાણીઓનાં શરીરમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધી રહ્યું છે, પણ અમેરિકામાં થયેલું સંશોધન બતાવે છે કે મનુષ્યના આહાર, પાણી અને શ્વાસમાં લેવાની હવા પણ પ્લાસ્ટિકથી પ્રદૂષિત થઇ ગયા છે. ન્યુ યોર્ક યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ વિશ્વના પાંચ ખંડોમાં ફરીને ૧૦ મહિનાના સમયગાળામાં પીવાનાં પાણીના ૧૫૯ નમૂનાઓ ભેગા કરીને પરીક્ષણ કર્યું તો ૧૨૯માં પ્લાસ્ટિકના કણોની હાજરી જોવા મળી હતી. અમેરિકાના ન્યુ યોર્કથી લઇ ભારતના દિલ્હીમાં નળનાં પાણીમાં પ્લાસ્ટિકની હાજરી જોવા મળી હતી.અમેરિકાના ૬ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોના શરીરનું પરીક્ષણ કરવામાં આવ્યું તો તેમાંના ૯૩ના શરીરમાં પ્લાસ્ટિકના અંશો જોવા મળ્યા હતા. ભારતમાં તો શું, અમેરિકામાં પણ પીવાનાં પાણીમાં પ્લાસ્ટિક બાબતમાં કોઇ ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં નથી.

ઘણા લોકો નળનું પાણી પીવાને બદલે બોટલનું પાણી ખરીદીને પીએ છે, કારણ કે તેમને લાગે છે કે બોટલનું પાણી સલામત હશે. અમેરિકાના સંશોધકો દ્વારા નવ દેશોના ૧૯ શહેરોમાંથી બોટલ્ડ વોટરની ૧૧ બ્રાન્ડના ૨૫૯ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાંના ૯૩ ટકામાં પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો જોવામાં આવ્યા હતા. સરેરાશ એક લિટરની બોટલમાં પ્લાસ્ટિકના ૧૦.૪ કણો જોવા મળ્યા હતા. બોટલમાં જયારે પાણી ભરવામાં આવે છે ત્યારે ઘર્ષણને કારણે તેમાં પ્લાસ્ટિકના કણો ભળી જાય છે.

દરિયાનાં પાણીમાંથી જે ટેબલ સોલ્ટ પેદા કરવામાં આવે છે તેમાં પણ પ્લાસ્ટિક ભળી જાય છે. અમેરિકાના સંશોધકો દ્વારા ૨૧ દેશોમાં વેચાતી ટેબલ સોલ્ટની ૩૯ બ્રાન્ડોનું પરીક્ષણ કરવામાં આવ્યું તો તેમાંની ૩૬માં પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોની હાજરી જોવા મળી હતી. ચીન, તાઇવાન અને ફ્રાન્સમાંથી જે ટેબલ સોલ્ટના નમૂના મેળવવામાં આવ્યા તેમાં જ પ્લાસ્ટિકની હાજરી જોવા મળી નહોતી. એક અંદાજ મુજબ મનુષ્યના શરીરમાં દર વર્ષે પ્લાસ્ટિકના ૨,૦૦૦ કણો પ્રવેશ કરે છે. આ પ્લાસ્ટિકની માનવ શરીર પરની અસર બાબતમાં હજુ સુધી કોઇ નક્કર વૈજ્ઞાનિક પરીક્ષણ પણ કરવામાં આવ્યું નથી. આલેખનઃ આદર્શ ભારત નેટવર્ક

(3:48 pm IST)