રાજકોટ
News of Tuesday, 1st October 2019

રાજકોટ જેલમાં વડોદરાના કેદી આકાશનો ગળાફાંસો ખાવા પ્રયાસ

લૂંટના ગુનાના કેદીએ આપઘાત કર્યા બાદ સતત બીજો બનાવ : મિત્રની હત્યાના ગુનામાં સંડોવણીઃ છ માસથી રાજકોટ જેલમાં છેઃ જેલમાં ગમતું ન હોવાથી પગલુ ભર્યુઃ સારવારમાં

રાજકોટ તા. ૧: શહેરની મધ્યસ્થ જેલમાં ગયા મંગળવારે મોડી રાત્રે લૂંટના ગુનામાં સંડોવાયેલા પાકા કામના કેદી કોઠારીયા સોલવન્ટ શિતળા માતાના મંદિર પાસે ગુ.હા. બોર્ડ કવાર્ટરમાં રહેતાં રાકેશ જેરામભાઇ સોલંકી (ઉ.વ.૨૫) નામના દેવીપૂજક યુવાને જેલની હાઇસિકયુરીટી બેરેકની ખોલી નંબર-૧માં પોતાને ઓઢવા માટે અપાયેલી ચાદરના લીરા કરી (ફાડીને) તેમાંથી દોરડુ બનાવી ખોલી અંદર જ આવેલા સંડાસની પાળી ઉપર ચડી  ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં હજુ કારણ બહાર આવ્યું નથી. ત્યાં વધુ એક કિસ્સામાં વડોદરાના હત્યાના ગુનાના કેદી આકાશ હસમુખભાઇ આડતીયા (ઉ.૨૨) નામના યુવાને બેરેક નં. ૨ પાસે આડીમાં ધાબળામાંથી લીરા ફાડી દોરી બનાવી ફાંસો ખાવાનો પ્રયાસ કરતાં જેલ કર્મચારીઓ જોઇ જતાં તાકીદે તેને બચાવી લીધો હતો.

આકાશને જેલના તબિબ પાસે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વડોદરામાં રહેતાં આકાશને છએક માસથી રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તેના પર તેના જ મિત્રની હત્યા કરવાનો ગુનો છે. તેને કાચા કામના કેદી તરીકે રખાયો છે. આકાશે કહ્યું હતું કે પોતાને જેલમાં ગમતું ન હોઇ જેથી કંટાળીને જેલમાં ચાલવા માટેના વંડા પાસે લોખંડની આડીમાં ધાબળાની દોરી બાંધીને લટકી જવા પ્રયાસ કર્યો હતો. સિવિલના ઈમર્જન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.

(11:52 am IST)