રાજકોટ
News of Saturday, 1st August 2020

પુરૂષોત્તમ માસના લીધે જૈનોને ૪ ને બદલે પ મહિના ચાતુર્માસ ધર્મ આરાધનાનો લાભ

રાજકોટ તા.૧ : જૈનોના પવિત્ર એવા ચાતુર્માસ ચાલી રહ્યા છે. આ વર્ષે અધિકમાસને કારણે ચાતુર્માસ પાંચ મહિના સુધી રહેશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જૈન સાધુ સાધ્વીજીઓ હાલ નિશ્ચિત સ્થળે સ્થાયી થઇ ગયા છે અને ત્યાં જ જપ - તપ - આરાધના કરી રહ્યા છે. આ વર્ષે અધિકમાસ હોવાને કારણે શ્રાવકોને પણ સાધુ સાધ્વીજીઓના આશિર્વાદ અને આર્શીવચનનો લાભ ૧૪૯ દિવસ સુધી મળશે.

ચાતુર્માસ દરમિયાન ૧૫ ઓગષ્ટથી પર્યુષણ પર્વની પણ શરૂઆત થઇ રહી છે. આગામી ૧૫ થી રર ઓગષ્ટ દરમિયાન જૈનોના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ શરૂ થશે. જૈનોમાં પર્યુષણ પર્વનું અનેરૂ મહત્વ હોય છે. ઉપાશ્રય તથા દેશના દરેક ધર્મસ્થાનકોમાં ભકિતસભર આયોજનો થતા હોય છે. રર ઓગષ્ટે સંવત્સરી પર્વ મનાવાશે. દર વર્ષની જેમ આ વર્ષે ચાતુર્માસ, પર્યુષણ પર્વ કે સંવત્સરીમાં જૈન સમાજ કોઇપણ પ્રકારના મોટા ધાર્મિક મહોત્સવના આયોજનો કોરોનાના કારણે નહી યોજાય.

આ વર્ષે ૨૮ દિવસનો અધિકમાસ રહેશે. તારીખ ૧૮ સપ્ટેમ્બરથી ૧૬ ઓકટોબર સુધી અધિકમાસ રહેશે. અધિકમાસને પુરૂષોતમ માસ પણ કહે છે. આ વર્ષે અધિકમાસને કારણે જન્માષ્ટમી અને ગણેશ મહોત્સવ જેવા તહેવારો ૧૨ દિવસ વહેલા આવશે જયારે નવરાત્રી અને દશેરાના તહેવારો ૧૫ દિવસ મોડા આવશે. દિવાળી ૧૩ દિવસ વહેલી આવશે. આ વર્ષે પુરૂષોત્તમ માસને કારણે ચાતુર્માસ અષાઢ સુદ અગિયારસથી શરૂ થયા. આ વર્ષે ચાતુર્માસ પણ ગુજરાતી માસ મુજબ ચારને બદલે અષાઢ, શ્રાવણ, ભાદરવો, અધિક આસો અને આસોથી કારતક સુદ અગિયારસ સુધી એટલે કે પાંચ માસ સુધી ચાલશે. આ વર્ષે આસો મહિનામાં અધિક માસ આવતો હોવાથી બે આસો માસ રહેશે.

ચાતુર્માસ અગાઉ સૌરાષ્ટ્રભરમાં સાધુ સાધ્વીજીઓ જૂદા જૂદા સ્થળે સ્થાયી થયા છે. કોરોના મહામારીને લીધે આ વર્ષે ચાતુર્માસમાં કોઇ મોટા મહોત્સવને બદલે સાદાઇથી ઉજવણી કરવા અને લોકોને ભેગા ન થવા જૈન સંતોએ પણ શ્રાવકોને ઘરબેઠા જ જપ - તપ - આરાધના કરવા જણાવ્યુ છે. હાલ સંતો પણ ભાવિકોને ઓનલાઇન પ્રવચનનો લાભ આપી રહ્યા છે.

આ વર્ષે પાંચ માસનો ચાતુર્માસ હોવાથી વધુ દિવસો સુધી ભાવિકોને ભકિત કરવાનો લહાવો મળશે. નવેમ્બર મહિનાના અંતમાં ચાતુર્માસ પુર્ણ થતા હોય ત્યારબાદ જ શુભકાર્યો કરી શકાશે એટલે કે લગ્ન, વાસ્તુ સહિતના તમામ શુભકાર્યો હવે સંભવત દિવાળી બાદ સારા મુહુર્તમાં કરી શકાશે.

(1:05 pm IST)