રાજકોટ
News of Saturday, 1st August 2020

આઝાદી પર્વની ઉજવણીમાં જિલ્લા કક્ષાએ મહતમ ૧પ૦ લોકોને જ નિમંત્રણ અપાશે

રાજય સરકારની માર્ગદર્શિકા જાહેરઃ તાલુકા કક્ષાએ ૧૦૦ લોકોની મર્યાદા : કોરોના સામેના યોધ્ધા અને સાજા થયેલા દર્દીઓનું સન્માન કરાશે

રાજકોટ તા. ૧ :રાજય સરકારે ૧પ ઓગસ્ટની ઉજવણી સંદર્ભે સામાન્ય વહીવટ વિભાગના ઉપક્ષચિવ કલ્પેશ ભટ્ટની સહીથી માર્ગદર્શક પરિપત્ર બહાર પાડયો છે. જેમાં આમંત્રિતોની સંખ્યા સહિતના મુદ્દા આવરી લેવામાં આવ્યા છે.

પરિપત્રમાં જણાવાયું છે કે સમગ્ર દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ખુબજ ભવ્યતા અને ઉત્સાહથી કરવામાં આવે છે. આ વર્ષે પણ સ્વાતંત્ર્ય દિન ૧પ ઓગસ્ટ ર૦ર૦ની ઉજવણી આટલી જ ભવ્યતા અને ઉત્સાહથી કરવામાં આવશે હાલમાં નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) ના રોગચાળાનો પ્રસાર વ્યાપક પ્રમાણમાં થયેલ છે.સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે કેટલાક નિવારક પગલાના ભાગરૂપે સોશિયલ ડીસ્ટન્સીંગ જાળવવા, માસ્ક પહેરવા, યોગ્ય સેનિટાઇઝેશન, બહોળી સંખ્યામાં લોકો એકત્રિત ન કરવા. જોખમ જણાય તેવા લોકોની સુરક્ષા કરવી વગેરે બાબતો અંગે સુચનાઓનું પાલન કરવાનું રહે  છે.સ્વાતંત્ર્ય દિન ર૦ર૦ ની ઉજવણીમાં વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી રાજયકક્ષાએ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ તથા ગ્રામ પંચાયતોમાં ઉજવણી કરવાની રહેશે.

રાજય કક્ષા

મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજયના પાટનગર ગાંધીનગર ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે. (૯ કલાકે) રાષ્ટ્ર ગાન વગાડવામા આવશે પેરા મીલીટરી ફોર્સ, હોમ ગાર્ડ એનસીસી સ્કાઉટ વગેરે સહિત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

જિલ્લાકક્ષાએ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના મુખ્ય મથક ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. રાષ્ટ્રગાન વગાડવામાં આવશે પોલીસ દળો, હોમગાર્ડ એનસીસી સ્કાઉટ વગેરે દ્વારા પરેડ કરવામાં આવશે.સોશિયલ ડીસ્ટન્સી઼ગ, માસ્ક પહેરવા વગેરે ધારા ધોરણોનું પાલન કરવાનું રહેશે. આમંત્રિતોની સંખ્યા આશરે ૧પ૦ લોકોની રહે તે યોગ્ય રહેશે મંચ ઉપર પ થીવધુ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત ન રહે તે પ્રકારની મંચ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

મહામારી  નિવારવા સવા આપી હોય તેવા આરોગ્ય કર્મી. જેવા કે ડોકટર્સ, હેલ્થવર્કર્સ સેનિટેશન વર્કર્સ વગેરે તેમજ કોરોના સામે ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને હરાવીને સાજા થયેલા વ્યકિતઓને આમંત્રીત કરવા આવા વ્યકિતઓને શાલ/સર્ટીફીકેટ દ્વારા મુખ્ય અતિથિના હસ્તે સન્માન કરવાનું રહેશેે. આ ઉપરાંત જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકાર રમતવીર અન્ય કોઇ ક્ષેત્રમાં વિશિષ્ઠ પ્રદાન કરેલ હોય તેવા મહાનુભાવોને આમંત્રીત કરવા.

તાલુકા કક્ષા

સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ/ મામલતદાર દ્વારા તાલુકાના મુખ્ય મથક ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે  રાષ્ટ્ર ગાન વગાડવામાં આવશે મહાનુભાવ દ્વારા પ્રવચન આપવામાં આવશે.  આમંત્રીતોની સંખ્યા આશરે ૧૦૦ લોકોની રહે તે યોગ્ય રહેશે મંચ ઉપર પ થી વધુ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત ન રહે તે પ્રકારની મંચ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

(11:53 am IST)