રાજકોટ
News of Friday, 1st July 2022

રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. આદિ ૪૨ સંત-સતીજીઓનો રવિવારે કચ્‍છમાં ચાતુર્માસ પ્રવેશ

રાજકોટ,તા. ૧ : ખંત અને ખમીરીની ભૂમિ એવી કચ્‍છની ધરતી પર પુણ્‍યવંતા પુનડી ગામના પાવન પ્રાંગણે પુનડીના એસ.પી.એમ પરિવારની ભાવભીની વિનંતીનો સ્‍વીકાર કરીને રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૬ સંતો તેમજ પૂજય શ્રી પ્રબોધિકાબાઈ મહાસતીજી, પૂજય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠાણા ૩૬ મળીને એક સાથે ૪૨ સંત-સતીજીઓ SPM આરોગ્‍યધામ પુનડી ખાતે કલ્‍યાણકારી કચ્‍છ ચાતુર્માસ અર્થે બિરાજમાન થવાના છે ત્‍યારે તેમનો ચાતુર્માસ મંગલ પ્રવેશ તા.૩ને રવિવારે, સવારના ૭:૩૦ કલાકે ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ શ્રીમતી નિમાબેન આચાર્યની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય સ્‍વાગત યાત્રા બાદ ૯ કલાકે ચાતુર્માસ સ્‍વાગત સમારોહનું આયોજન વાસણભાઈ આહીર  - MLA (અંજાર), કેશુભાઈ પટેલ, વિરેન્‍દ્રસિંહજી જાડેજા - MLA   (મુન્‍દ્રા-માંડવી), પંકજભાઈ મહેતા આદિ મહાનુભાવો અને કચ્‍છ તેરાના ઠાકોર સાહેબ મયૂરધ્‍વજસિંહજી આદિની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના ખૂણે ખૂણેથી અનેક શ્રેષ્ઠીવર્યો, મહાનુભાવો, સંઘો અને મુંબઈથી સ્‍પેશિયલ ટ્રેન કરીને આવી રહેલા સેંકડો ભાવિકો ચાતુર્માસ પ્રવેશના વધામણાં કરશે ત્‍યારે સંઘપતિ બનવાનો લાભ પરાગભાઈ શાહ, રમેશભાઈ મોરબીયા, અનિલભાઈ ભાયાણી, કિરીટભાઈ મહેતા, રાજેશભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ વાડીલાલ શાહ આદિ ભાવિકો લઈને ધન્‍ય બન્‍યા છે.

આ અવસરે રિલાયન્‍સ ફાઉન્‍ડેશન તરફથી ગુરુપૂર્ણિમા અવસરે અનંતભાઈ મુકેશભાઈ અંબાણીના ઉદારદીલાના સહયોગે અર્હમ યુવા સેવા ગ્રુપના ઉપક્રમે હજારો ગરીબોને ભોજન આપવા સ્‍વરૂપ ‘અનંત અર્હમ આહાર પ્રકલ્‍પ'પ્રારંભ કરવામાં આવશે.

આ અવસરે સાંજે ૬ કલાકે ૫ અભિગમથી ગુરુ પ્રસન્નતા-ગુરુ સમર્પણ અવસરનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે, પરમ ગુરુદેવના સાંનિધ્‍યે આયોજિત આ અવસરે ભક્‍તિની અર્પણતા કરવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને સમગ્ર કલ્‍યાણકારી કચ્‍છ ચાતુર્માસના લાભાર્થી SPM પરિવાર દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્‍યું છે. 

(3:22 pm IST)