રાજકોટ
News of Thursday, 1st July 2021

આજથી દુધમાં રૂ. ર, મીઠાઇમાં કિલોએ રૂ.ર૦, દહીંમાં કિલોએ રૂ.પનો ભાવવધારો અમલી બન્યો

અમુલ બાદ શહેરની પપ૦ જેટલી ખાનગી ડેરીઓએ પણ દુધના ભાવ વધાર્યા : માલધારીઓને હજુ વધુ ખરીદીના ભાવ મળવા જોઇએઃ ડેરી એસો.ના પ્રમુખ વી.પી.વૈષ્ણવ

રાજકોટ, તા., ૧: પેટ્રોલ-ડીઝલના ભાવ  વધ્યા તેની અસર સ્વરૂપ ગઇકાલે અમુલ ડેરીએ દુધના ભાવમાં લીટરે રૂ. ર નો ભાવવધારો જાહેર કર્યા બાદ આજથી રાજકોટમાં ખાનગી ડેરીઓ દ્વારા પણ લીટરે રૂ.ર નો ભાવવધારો જાહેર કરી અમલી બનાવાયો હોવાનું ડેરી એસોસીએશનના પ્રમુખ વી.પી.વૈષ્ણવે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે જણાવ્યુ઼ હતું કે, પડતર મોંઘી થતા ન છુટકે ભાવવધારો કરવો પડયો છે. દુધમાં રાજકોટની પપ૦ જેટલી ડેરીઓ દ્વારા લીટરે રૂ. ર વધારવામાં આવ્યા છે. એટલું જ નહી દુધની આનુસંગીક પ્રોડકટ મીઠાઇના ભાવમાં પણ કિલોએ રૂ. ર૦નો ભાવવધારો કરવામાં આવ્યો છે.

તેઓએ વધુમાં જણાવ્યુ઼ હતું કે, ગઇકાલે ડેરી એસોસીએશનની એક બેઠક મળી હતી અને તેમાં ભાવવધારો કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. દુધના ભાવવધારા બાદ દહીંમાં પણ કિલોએ રૂ. પ નો ભાવવધારો કરવા પણ નિર્ણય લેવાયો હતો.

તેઓએ  વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ એક જ એવું શહેર છે જયાં લોકો ખાનગી ડેરીઓ ઉપર ભરોસો કરી રહયા છે. ખાનગી ડેરીઓ પણ હરહંમેશ લોકોને શુધ્ધ અને સાત્વીક દુધ પુરૂ પાડતી હોય છે. તેમણે ઉમેર્યુ હતું કે રાજકોટમાં ખાનગી ડેરીઓ દ્વારા સવાબે લાખ લીટર દુધનું રોજ વેચાણ કરવામાં આવે છે અને રાજકોટના ખાનગી ડેરીના સંચાલકો પશુ પાલકોને પણ સારો એવો ભાવ આપે છે.

વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે માલધારીઓને હજુ વધુ વળતર મળે તે માટે પ્રયાસ થવા જોઇએ. તેઓનેહજુ પુરતો ફાયદો મળતો નથી. અમારા મતે તેઓને વધુ ખરીદભાવો મળવા જોઇએ.

અંતમાં તેમણે જણાવ્યું હતું કે ચારેકોર મોંઘવારી ફાટી નિકળી છે ત્યારે લોકો અમારા વ્યાજબી ભાવવધારાનો સ્વીકાર કરશે તેવી અમને આશા છે.

(3:40 pm IST)