રાજકોટ
News of Friday, 1st June 2018

વરસાદી પાણી ભરાયેલા રહેતા હોય તેવા ૯ સ્થળોએ જળસંચય માટે બોર યોજનાનો સર્વે

સોરઠીયાવાડી ચોક, જલજીત હોલ પાસે, પરાબજાર સહિતના સ્થળોએ 'ઈકલી' સંસ્થાના આર્થિક સહયોગથી બોર બનાવી વરસાદી પાણી ભૂ-તળમાં ઉતારાશેઃ મેયરની જાહેરાત

રાજકોટ, તા. ૧ :. આગામી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહે છે તેવા પાંચ જેટલા સ્થળોએ જમીનમાં બોર કરી અને આવુ વરસાદી પાણી જમીનમાં ઉતારી જળસંચય દ્વારા ભૂ-તળનું જળસ્તર ઉંચુ લાવવાની યોજના ટૂંક સમયમાં સાકાર થશે તેમ મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જાહેર કર્યુ હતું.આ અંગે ડો. ઉપાધ્યાયે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતુ કે 'ઈકલી' સંસ્થા અને સ્વિસ એજન્સી, એનર્જી ડેવલોપમેન્ટના કેપેસીટી પ્રોજેકટ હેઠળ વોટર હાર્વેસ્ટીંગ માટે રાજકોટ કોર્પોરેશનને રૂ. ૨૫ લાખનું આર્થિક અનુદાન આપવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત સોરઠીયાવાડી સર્કલ, જલજીત હોલ, નંદા હોલ, સુભાષ ચોક, પરાબજાર, ગુરૂજીનગર, રાહીલનગર, એવરેસ્ટ પાર્ક, મોટામવા વિસ્તાર સહિત ૯ સ્થળોએ કે જ્યાં કાયમી ધોરણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં ૧૦ - ૧૦ ફુટ ઉંડા બોર બનાવી તેમા વૈજ્ઞાનિક ઢબે વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂ-તળનું જળસ્તર ઉંચુ લાવવાની અનેરી જળસંચય યોજના સાકાર થશે. આ માટે આજે ઈકલીના અધિકારી રામા મોહન (હૈદરાબાદ) સહિતના નિષ્ણાંતોની ટીમ રાજકોટની મુલાકાતે આવી હતી. આ ટીમે ઉપરોકત સ્થળે મુલાકાત લઈ બોર યોજનાની શકયતાઓ ચકાસી હતી. હવે સેટેલાઈટ સર્વે મારફત ઉપરોકત વિસ્તારમાં જળસંચય માટે કેટલા બોર કયા - કયા સ્થળે કરવા તેનો નિર્ણય લેવાશે તેમ મેયરશ્રીએ જાહેર કર્યુ હતું.

(4:59 pm IST)