રાજકોટ
News of Friday, 1st June 2018

વિર સાવરકર આવાસ કવાર્ટરમાં દલિત યુવાન પર સિકયુરીટી ગાર્ડનો હુમલો

બે દિવસથી ટાકામાં પાણી ચડાવ્યું ન હોઇ ચંદ્રેશ પરમાર કહેવા જતાં માથાકુટ

રાજકોટ તા. ૧: કાલાવડ રોડ પર અવધ પાર્ક પાસે વિર સાવરકરનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરી ગુજરાન ચલાવતાં ચંદ્રેશભાઇ ડાયાભાઇ પરમાર (ઉ. ૩૪) નામના દલિત યુવાનને આ કવાર્ટરના સિકયુરીટી ગાર્ડ તથા અન્ય શખ્સોએ ધોકા-પાઇપ-ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.

ચંદ્રેશભાઇના કહેવા મુજબ સિકયુરીટી ગાર્ડ કે જે દરબાર શખ્સ છે તેણે બે દિવસથી ટાઉનશીપના ટાંકામાં પાણી ચડાવ્યું ન હોઇ આજે પોતાના ઘરે મહેમાન આવતાં પોતે તેને પાણી ચડાવવા બાબતે કહેવા જતાં તેણે ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી હુમલો કર્યો હતો અને સાથેના બીજા લોકોએ પણ માર માર્યો હતો. પોતાને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરવામાં આવ્યાનો આક્ષેપ પણ ચંદ્રેશભાઇએ કરતાં પોલીસે તેની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

મગજ ભમતો હોવાથી ભાવનાબેને ફિનાઇલ પીધું

રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતી ભાવનાબેન ચંદુભાઇ ચાવડા (ઉ.૨૭) નામની મહિલાએ ફિનાઇલ પી લેતાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ કડીયા કામ કરે છે. પોતાનો મગજ ભમતો હોવાથી ફિનાઇલ પી લીધાનું તેણીએ કહ્યું હતું.

(4:57 pm IST)