રાજકોટ
News of Friday, 1st June 2018

ન્યુ જાગનાથ પ્લોટમાં નેપાળીઓ ઉપરના હુમલા કેસમાં આરોપીઓના આગોતરા જામીન રદ

આરોપીઓ સામે ગંભીર ગુનો છેઃ આગોતરા આપી શકાય નહિં

રાજકોટ તા. ૧: અહીંના ન્યુ જાગનાથ શેરી નં. ર૦ પાસે ધનરજની બિલ્ડીંગ નજીક ફુટપાઠ બેઠેલા ફરિયાદી વિશાલ ચંદુભાઇ તથા અમન નેપાળી અને પ્રતિક નેપાળી ઉપર છરી-ધોકા વડે ખુની હુમલો કરી મહાવ્યથા પહોંચાડવા અંગે નોંધાયેલ ફરીયાદના અનુસંધાને આરોપી અમિત ભરતભાઇ કારેદીયા, રિધીશ વિનુભાઇલ અને રાહુલ હિતેષભાઇ નેપાળીએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૧૮-પ-૧૮નાં રોજ ફરીયાદી અને તેના મિત્રને બનાવ સ્થળે ફુટપાઠની પાળી ઉપર બેઠા હતાં ત્યારે રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં આરોપીઓ ત્યાં આવેલ અને અગાઉના ઝઘડાનો ખાર રાખીને છરી-ધોકા જેવા હથિયારો વડે હુમલો કરીને મહાવ્યથા જેવી ગંભીર ઇજા કરી હતી.

આ બનાવ અંગે પોલીસે આઇ.પી.સી. ૩ર૩, ૩ર૪, ૩ર૩, વિગેરે કલમો હેઠળ ગુનો અમલ કરતાં ઉપરોકત ત્રણેય આરોપીઓએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી.

આ અરજીના કામે સરકારી વકીલ સમીર ખીરાએ રજુઆત કરેલ કે, આરોપીઓ સામે ગંભીર ગુનો છે. રાત્રીના સમયે છરી-ધોકા જેવા હથિયારો વડે હુમલો કરીને ભય ફેલાવેલ હોય આવી ગંભીર ગુનામાં આગોતરા જામીન આપી શકાય નહિં.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સેસન્સ કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓની આગોતરા જામીન અરજીને રદ કરી હતી. આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. સમીરભાઇ ખીરા રોકાયા હતાં.

(4:25 pm IST)