રાજકોટ
News of Friday, 1st June 2018

શ્‍યામનગરમાં ત્રણ જુદા-જુદા રૂમમાં જોખમી સાધનો દ્વારા બાળકો પાસે ઇમિટેશનની મજૂરી કરાવાતી હતી

થોરાળા પોલીસ મથકમાં ગુનો દાખલઃ ડેરીમાંથી બાળ મજૂરો મુક્‍ત થયા તે અંતર્ગત પણ ફેક્‍ટરી એક્‍ટની જોગવાઇ અનુસાર કાર્યવાહી : સમાજ સુરક્ષા ખાતાએ બાળ મજૂરો મુક્‍ત કરાવ્‍યા બાદ બે ગુના નોંધાવાયા

રાજકોટ તા. ૧: સમાજ સુરક્ષા વિભાગની ટીમે ગઇકાલે રાજકોટ દૂધની ડેરીમાંથી ૧૫ બાળ મજૂરો અને નજીકના શ્‍યામનગરમાંથી ઇમિટેશનની મજૂરી કરતાં ૨૦ બાળકોને મુક્‍ત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલ્‍યા હતાં. આ મામલે શ્‍યામનગરમાં બાળકોને મજુરીએ રાખનારા ત્રણ શખ્‍સો સામે તથા ડેરીમાં મજૂરીએ રાખનાર જવાબદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા કાર્યવાહી કરવામાં આવી છે.

સરકારી શ્રમ અધિકારી તથા બાળ મજુર (નિયમન અને પ્રતિબંધ) કચેરીના અધિકારી સુરભીબેન અશ્વિનભાઇ ભપલે થોરાળા પોલીસમાં ગત સાંજે દુધની ડેરી પાછળ શ્‍યામનગર-૧માં રહેતાં હસમુખ બાલુરામજી સોની, અમજદ જી. માંડલ અને કાદરભાઇ સામે ચાઇલ્‍ડ એન્‍ડ અડોલેસન્‍ટ લેબર પ્રોહિબીશન એન્‍ડ રેગ્‍યુલેશન એક્‍ટ ૧૯૮૬ની કલમ ૩, ૩-એ, ૭ (૪), ૧૪ મુજબ ગુનો દાખલ કરાવ્‍યો છે.

ફરિયાદમાં સુરભીબેને જણાવ્‍યું છે કે  હું તથા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, ડી. બી. મોણપરા, કે. જી. પંડયા, મિત્‍સુબેન વ્‍યાસ, પીએસઆઇ આર. એસ. કોટવાલ સહિતનાને પાક્કી માહિતી મળી હતી કે દુધની ડેરી પાછળ શ્‍યામનગર-૧માં   બાળકોને જોખમી સાધનોથી ઇમિટેશનનું કામ કરાવવા મજૂરીએ રખાયા છે. આથી ત્‍યાં તપાસ કરતાં એક રૂમમાં હસમુખ સોની નામનો શખ્‍સ ૬ પરપ્રાંતિય બાળકો ગેસના સાધનોથી ઇમિટેશનનું કામ કરતાં જોવા મળ્‍યા હતાં. બીજા રૂમમાં અમઝદ નામનો શખ્‍સ ૭ બાળકો પાસે મજૂરી કરાવતો અને ત્રીજા રૂમમાં કાદર નામનો શખ્‍સ બીજા ૭ બાળકો પાસે જોખમી રીતે મજૂરી કરાવતો મળતાં કુલ વીસ બાળકોને મુક્‍ત કરાવ્‍યા હતાં. આ તમામની ઉમર ૧૧ થી ૧૭ વર્ષની છે.

તમામ બાળકોને કારખાનામાં ગેરકાયદેસર રીતે નાના બાળકોને મજૂરીએ રાખી જમવાની રહેવાની પુરતી સુવિધા કે રક્ષણ મળે તેવી કોઇ સગવડતા વગર મજૂરી કરાવવામાં આવતી હોવાનો આરોપ ફરિયાદમાં મુકવામાં આવ્‍યો છે.

થોરાળાના પી.આઇ. બી. પી. સોનારાના જણાવ્‍યા મુજબ  ડેરીમાંથી બાળ મજુરો મળ્‍યા હોઇ ફેક્‍ટરી એક્‍ટની જોગવાઇઓ મુજબ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. મુક્‍ત થયેલા તમામ બાળકો બિહાર અને પમિ બંગાળ તરફના છે.

(4:11 pm IST)