રાજકોટ
News of Friday, 1st June 2018

ગેરકાયદે ઉઘરાણાનું કારસ્‍તાન... છત્તુ...

પારડી રોડ કોમ્‍યુનિટી હોલનું સંચાલન કરનાર સમુત્‍કર્ષ ફાઉન્‍ડેશનને પાણીચુ પકડાવાયુ : ૨૫ હજારનો દંડ : ૫૦ હજાર જપ્‍ત

રાજકોટ તા. ૧ : મ્‍યુ. કોર્પોરેશન દ્વારા શહેરના આનંદનગર વિસ્‍તારમાં પારડી રોડ પર અદ્યતન કોમ્‍યુનિટી હોલનું નિર્માણ કરાયું છે. જેનું સંચાલન સમૂત્‍કર્ષ ફાઉન્‍ડેશન નામક સંસ્‍થાને ગેરકાયદે રીતે ઉઘરાણા કરવા સબબ પાણીચુ પકડાવી દેવાયું છે અને આ સંસ્‍થાને રૂા. ૨૫ હજારનો દંડ ફટકારી સંસ્‍થાની રૂા. ૫૦ હજારની ડિપોઝીટ પણ જપ્‍ત કરી લેવામાં આવી હતી.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનના એસ્‍ટેટ વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આનંદનગર ખાતેના કોમ્‍યુનીટી હોલ યુનિટ-૧ તથા યુનિટ-૨નું સંચાલન તા.૦૧/૧૦/૨૦૧૬ થી તા.૩૦/૦૯/૨૦૧૮ સુધીના સમયગાળા માટે સમુત્‍કર્ષ ફાઉન્‍ડેશનને સોંપવામાં આવેલ હતુ. સંસ્‍થા દ્વારા હોલ પર ગેરકાયદેસર રીતે ચાર્જીસ વસુલવામાં આવતા હોવાની અરજદારોની ફરીયાદ અન્‍વયે સંસ્‍થાને આખરી નોટીસ આપવામાં આવેલ હતી અને રૂ.૨૫૦૦૦ની પેનલ્‍ટી કરવામાં આવેલ હતી તેમજ આ પ્રકારે બનાવ બનવા પામે તો સંસ્‍થા વિરૂધ્‍ધ કડક શિક્ષાત્‍મક પગલા લેવામાં આવશે અને કોમ્‍યુનીટી હોલનું સંચાલન પરત લઈ લેવામાં આવશે તે અંગે તાકીદ કરવામાં આવેલ હતી.

પરંતુ આમ છતાં સંસ્‍થા દ્વારા ત્‍યારબાદ પણ ગેરકાયદેસર રીતે ચાર્જીસ વસુલવામાં આવતા હોવા અંગે અરજદારોની લેખિત ફરીયાદ મળેતા માન. કમિશનર સાહેબ દ્વારા સંસ્‍થા પાસેથી કોમ્‍યુનીટી હોલનું સંચાલન પરત લઈ લેવામાં આવેલ છે, સિક્‍યુરીટી ડીપોઝીટ રૂ.૫૦,૦૦૦ જપ્ત કરવામાં આવેલ છે અને સંસ્‍થાને બ્‍લેકલીસ્‍ટ કરવામાં આવેલ છે.

 

(4:10 pm IST)