રાજકોટ
News of Friday, 1st June 2018

નવલનગરની બ્રાહ્મણ મહિલા મુખ્‍યમંત્રીના બંગલે ધરણા કરવા પહોંચે એ પહેલા જ પકડી લેવાઇ

પતિ-સાસુ-નણંદ વિરૂધ્‍ધ ફરિયાદ કરનાર નવલનગરની જાગૃતિ ત્રિવેદીનેસ્ત્રીધન પરત ન મળતાં રોષ હતો : અગાઉ જાગૃતિએ ઘરમાંથી ૨,૨૨,૫૦૦ની મત્તા ભાર્ગવ જોષીને આપી દીધાની ફરિયાદ પતિ મનોજ ત્રિવેદીએ નોંધાવી હતી

તસ્‍વીરમાં નવલનગરમાં રહેતી જાગૃતિબેન મુખ્‍યમંત્રીશ્રીના નિવાસે ધરણા કરવા પહોંચે એ પહેલા તેની અટકાયત કરવામાં આવી તે દ્રશ્‍યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧: મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું નિવાસ સ્‍થાન જાણે અસંતોષીઓ માટે પોતાનો પ્રશ્નની રજૂઆત કરવાનું કેન્‍દ્ર બની ગયું હોય તેમ બે દિવસ પહેલા ચાર વ્‍યક્‍તિએ ત્‍યાં પહોંચી આત્‍મવિલોપનનો પ્રયાસ કરતાં અટકાયત થઇ હતી. ત્‍યાં આજે વધુ એક મહિલા મુખ્‍યમંત્રીના બંગલે ધરણા કરવા પહોંચી રહ્યાની માહિતી મળતાં તેને રસ્‍તામાંથી જ પોલીસે અટકાયતમાં લઇ લીધી હતી. ત્રાસની ફરિયાદ નોંધાવનાર આ મહિલાનો કરિયાવર ઓળવી જવાયા બાબતે રોષ હતો. જો કે પોલીસના કહેવા મુજબ ખુદ આ મહિલાએ એક શખ્‍સ સાથે મળી પતિના ઘરમાંથી સવા બે લાખ જેવી મત્તા બારોબાર ચાઉ કરી લીધાની ફરિયાદ પણ થઇ હતી. 

જાણવા મળ્‍યા મુજબ નવલનગરમાં હાલ માવતરે રહેતી જાગૃતિબેન મનોજ ત્રિવેદી (ઉ.૨૮) નામની મહિલા સવારે મુખ્‍યમંત્રીશ્રીના બંગલે ધરણા કરવા જઇ રહ્યાની જાણ થતાં પોલીસે તેણીને નિર્મલા રોડ પર ફાયર બ્રિગેડ નજીકથી જ અટકાયતમાં લઇ લીધી હતી. આ મહિલાને મહિલા પોલીસ મથકે લઇ જઇ પૃછા કરવામાં આવતાં તેણીએ કહ્યું હતું કે તેણે માર્ચ મહિનામાં પતિ, સાસરિયા વિરૂધ્‍ધ ફરિયાદ કરી છે. જેમાં તેને અન્‍યાય થયો છે અને કરિયાવર પણ ઓળવી જવામાં આવ્‍યો છે. જો કે પોલીસના કહેવા મુજબ આ કેસમાં અગાઉ અટકાયતી પગલાની કાર્યવાહી થઇ ચુકી છે.

પોલીસ સુત્રોએ એમ પણ જણાવ્‍યું હતું કે ખુદ જાગૃતિબેન ત્રિવેદી વિરૂધ્‍ધ ગત ૬/૪/૧૮ના રોજ તેના પતિ મનોજભાઇ ભુપેન્‍દ્રભાઇ ત્રિવેદીએ કાવત્રુ ઘડી ઠગાઇ કર્યાની ફરિયાદ કરી હતી. મનોજભાઇના ઘરમાંથી રૂા. ૧,૩૦,૦૦૦ની રોકડ તથા સોનાના દાગીના, ડ્રેસીસ, જરૂરી ડોક્‍યુમેન્‍ટ મળી રૂા. ૨,૨૨,૫૦૦ની મત્તા ગાયબ થઇ ગઇ હતી. પડોશીના સીસીટીવી કેમેરા ચેક કરાવતાં ૨૮/૩/૧૮ના સવારે દસેક વાગ્‍યે એક શખ્‍સ ઘરમાં આવ્‍યો હોવાનું જણાયું હતું. તે વખતે જાગૃતિબેન ઘરે એકલા હતાં. આ શખ્‍સ થેલો લઇને બહાર નીકળતો સીસીટીવીમાં દેખાયો હતો. તેનું નામ ભાર્ગવ જોષી હોવાનું ખુલ્‍યું હતું. આ શખ્‍સને જાગૃતિબેન સાથે પ્રેમસંબંધ હોવાની શંકા પણ ફરિયાદમાં દર્શાવાઇ હતી. એ પછી ૧/૪/૧૮ના રોજ મનોજભાઇને ખબર પડી હતી કે તેના વિરૂધ્‍ધ મહિલા પોલીસ મથકમાં ત્રાસનો ગુનો નોંધાયો છે.

(5:19 pm IST)