રાજકોટ
News of Friday, 1st June 2018

લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી કરવાનો આદેશ થતા જ્ઞાતિજનોમાં ભારે ચર્ચાનો દોર

વિવિધ વિસ્‍તારોમાં રહેતા લોહાણા જ્ઞાતિજનો અગ્રણીઓ વચ્‍ચે બેઠકોનો દોર શરૂ થઇ ગયો

રાજકોટ તા. ૧ :. રાજકોટમાં આશરે પોણા ત્રણ લાખ જેટલી વસ્‍તી ધરાવતા લોહાણા સમાજનું પ્રતિનિધીત્‍વ કરતી માતૃસંસ્‍થા લોહાણા મહાજન રાજકોટની નવેસરથી ચુંટણી કરવાનો રાજકોટના નાયબ ચેરીટી કમિશ્નરનો આદેશ થયો છે. ત્‍યારે તમામ જ્ઞાતિજનોમાં ઉત્‍સુકતા છવાઇ ગઇ છે. રાજકોટમાં વિવિધ વિસ્‍તારોમાં રહેતા જ્ઞાતિજનો-અગ્રણીઓ-શ્રેષ્‍ઠીઓ વિગેરે ધીમે-ધીમે હરકતમાં આવવા લાગ્‍યા

જ્ઞાતિના ઘણાં અગ્રણીઓ શ્રેષ્‍ઠીઓ ચુંટણી લડવાના સપનામાં ખોવાયા છે તો ઘણા ચુટણી લડનાર સંભવિત પેનલોમાંથી કોની પેનલમાં રહેવું કે પછી કોને ટેકો આપવો તેની વિચારણામાં પડયા હોવાનું જાણવા મળે છે.

સમગ્ર રાજકોટમાં લોહાણા જ્ઞાતિની નોંધપાત્ર વસ્‍તી હોય, દરેક વિસ્‍તારમાં એક યા બીજી રીતે જ્ઞાતિના આગળ પડતા લોકો પોતાનું વર્ચસ્‍વ ધરાવે છે. લોહાણા જ્ઞાતિ મહાજન સંલગ્ન તથા તથા સ્‍વતંત્ર સંસ્‍થાઓ પણ  ઘણી બધી છે.બહેનોની સંસ્‍થા અને મહિલા મંડળો પણ એટલાજ સક્રિય છે. મોટાભાગના વોર્ડમાં પ.પૂ. જલારામબાપાની જલારામ જયંતિની ઉજવણી પણ ધામધુમપૂર્વક થાય છે. જેમાં સેંકડો સ્‍વયંસેવકો અનેહજ્‍જારો જ્ઞાતિજનો સેવા તથા પ્રસાદનો લાભ લ.છે. નવરાત્રી સહિતના તહેવારો પણ ઉજવાય છે.

વિવિધ વિસ્‍તારોમાં આ રીતે  પ્રભુત્‍વ ધરાવતા જુદા જુદા ગૃપ મંડળહાલના અમુક હોદેદારો ની મિટીંગો પણ છાને ખુૅણે યોજાઇ રહી હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. હાલના અમુક હોદેદારો તથા ચુંટણીમાં પોતાની પેનલ ઉભી રાખવા માંગતા અમુક જ્ઞાતિ અગ્રણીઓ શ્રેષ્‍ઠીઓ પુરા વર્ચસ્‍વ તથા પ્રભુત્‍વ ધરાવતા આવા ગૃપ મંડળો અને તેના પ્રમુખ હોદેદારો-સભ્‍યોનું સપર્ક અભિયાન પણ શરૂ કરી દીધાનું સંભળાઇ રહ્યું છે જુની-નવી પેઢીના ઘણા આગેવાનોએ તો મતોની ગણત્રી વિવિધ રીતે માંડવાનું ચાલુ કરી દીધાની ચર્ચા છે.

દરમિયાન રાજકોટ લોહાણા મહાજનના હાલના પ્રમુખ કાશ્‍મીરાબેન નથવાણી તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. કાશ્‍મીરાબેન વર્ષો સુધી શંકરસિંહજી વાઘેલા જુથ સાથે સક્રિય રહ્યા હતા અને મહિલા અગ્રણી તરીકે મોટુ સ્‍થાન બનાવ્‍યુ હતુ, પરંતુ તાજેતરની ચૂંટણીમાં મુખ્‍યમંત્રી વિજયભાઈના આગ્રહથી ભાજપમાં જોડાયા છે. હવે ભાજપમાં સંગઠન કે નિગમોમાં કોઈક મહત્‍વનું પદ મળે તેવા ઉજળા સંજોગો સર્જાયા છે તો કાશ્‍મીરાબેન ચૂંટણી લડવાને બદલે તેમની નજીક ગણાતા શ્રી શૈલેષ ગણાત્રા, શ્રી નીતિન નથવાણી, શ્રી સંજય કક્કડ, શ્રીમતિ રીટાબેન જોબનપુત્રા (કોટક), શ્રી મિતલ ખેતાણી વિ.ના સહકારથી પોતાના પરિવારમાંથી કોઈને ચૂંટણી લડાવે તેવી પુરી સંભાવના છે.

સામે હાલના રાજકોટ લોહાણા મહાજનના ઉપપ્રમુખ અને તેજતરાર અગ્રણી શ્રી રમેશ ધામેચા જુથ પણ ચૂંટણીમાં ઝુકાવવા ભારે સક્રિય બન્‍યાનું બહાર આવ્‍યુ છે.

આ ઉપરાંત જૂના જોગી એવા વયોવૃદ્ધ અગ્રણી શ્રી પ્રતાપભાઈ કોટક જુથ પણ સળવળાટ કરી રહ્યાનું બહાર આવ્‍યુ છે. પ્રતાપભાઈ શહેર ભાજપના પ્રમુખ રહી ચૂકયા છે અને હાલમાં પક્ષમાં નિષ્‍ક્રીય છે. તેઓ રઘુવંશી પરિવારના નેજા હેઠળ પણ ભરચક્ક પ્રયાસો કરી રહ્યા છે, ત્‍યાં પણ તેમના માટે લોઢાના ચણા જેવી સ્‍થિતિ પ્રવર્તે છે અને ચર્ચાતી વિગતો મુજબ હસુભાઈ ભગદેવ અંદરખાને જુદો ચોકો જમાવી રહ્યા છે. વિહિપ અગ્રણી શ્રી શાંતનુભાઈ રૂપારેલીયા પણ કદાચ સક્રિય બને તેવી ચર્ચા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે લોહાણા મહાજન રાજકોટમાં છેલ્લા ૧૬ વર્ષથી ચુંટણી પ્રક્રિયા થયેલ ન હોય, બંધારણ પ્રમાણે ચુંટણી કરવા સંદર્ભે રાજકોટના સંજયભાઇ લાખાણીએ રાજકોટ ચેરીટી કમિશ્નર કચેરીમાં દાદ માંગી હતી. રાજકોટના નાયબ ચેરીટી કમિશ્નરે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને  સંદર્ભ લઇને ૪૫ દિવસની અંદર લોહાણા મહાજન રાજકોટની બંધારણ મુજબ પુંટણી કરીને નવી બોડીની નોંધ રાજકોટ ચેરીટીમાં કરાવવાનો હુકમ કર્યો છે. ચુંટણી નિરીક્ષકોની હાજરીમાં કરીને તમામ પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવાનો આદેશ પણ કરાયો હોવાનું જાણવા મળે છે.

(1:01 pm IST)