રાજકોટ
News of Friday, 1st June 2018

આજીડેમ નજીક વિઠ્ઠલવાવ ગોૈશાળાના પ્રમુખને લૂંટવાનો પ્રયાસ

નવાથોરાળામાં રહેતાં વશરામભાઇ લીંબાસીયા (ઉ.૫૫) બાઇક હંકારી રાજકોટ આવતા'તા ત્‍યારે લક્કીરાજ ફાર્મ પાસે આંતરી બે મોબાઇલ પડાવી લીધાઃ વાત પોલીસ સુધી પહોંચી : કારમાં આવેલા શખ્‍સે ‘આમ વાહન હંકારાય, કો'ક મરી જાશે' કહી પોતે પોલીસ હોય તેવો રોફ જમાવ્‍યોઃ મારીને પાણીમાં નાંખી દઇશ તેવી ધમકી દીધીઃ વશરામભાઇએ હાથ જોડી આજીજી કરતાં મોબાઇલ પાછા આપી ભાગી ગયોઃ સીસીટીવી ફૂટેજ અને કાર નંબરને આધારે તપાસ

રાજકોટ તા. ૧: આજીડેમથી આશરે બે કિ.મી. આગળ મહિકાના પાટીયા નજીક લક્કીરાજ ફાર્મ પાસે ગત સાંજે રાજકોટ થોરાળામાં રહેતાં અને વિઠ્ઠલવાવની ગોૈશળાના પ્રમુખ તથા ટ્રસ્‍ટી વશરામભાઇ નરસીભાઇ લીંબાસીયા (ઉ.૫૫)ના બાઇકને કારમાં આવેલા શખ્‍સે આંતરી આમ વાહન હંકારયા, કો'ક મરી જાશે' તેમ કહી ગાળાગાળી કરી કાંઠલો પકડી હાલો પોલીસ સ્‍ટેશને લઇ જાવ...તેમ કહી પોલીસ હોવાનો રોફ જમાવી બે મોબાઇલ ફોન પડાવી લઇ બેફામ ધમકાવતાં વશરામભાઇ ગભરાઇ ગયા હતાં. પોતાનો કંઇ વાંક ન હોવા છતાં આ રીતે અજાણ્‍યા શખ્‍સે ધમકાવી મોબાઇલ ફોન પડાવી લેતાં તેણે હાથ જોડી આજીજી કરતાં અંતે એ શખ્‍સ ભાગી ગયો હતો. પોતાની સાથે લૂંટનો પ્રયાસ થયાની અરજી તેમણે પોલીસને આપતાં તપાસ શરૂ થઇ છે.

વશરામભાઇ લીંબાસીયાએ વિગતો આપતા જણાવ્‍યું હતું કે હું નિયમીત રીતે ત્રંબા નજીક વિઠ્ઠલવાવમાં આવેલી ગોૈશાળાએ મારું બાઇક લઇને ગયો હતો. આ ગોૈશાળામાં હું પ્રમુખ અને ટ્રસ્‍ટી છું. સાંજે સાડા છએક વાગ્‍યે ત્‍યાંથી પરત રાજકોટ નવા થોરાળામાં મારા ઘરે આવવા નીકળ્‍યો ત્‍યારે લક્કીરાજ પાર્ટી પ્‍લોટ સામે  પહોંચ્‍યો તે વખતે સિલ્‍વર જેવા રંગની એક કાર મારી આગળ આવી હતી અને મારા વાહનને આંતરે મને ઉભો રાખ્‍યો હતો.

મેં વાહન ઉભુ રાખતાં એક આશરે ૩૫-૪૦ વર્ષનો શખ્‍સ આવ્‍યો હતો અને સીધો જ પોતે પોલીસ હોય એ રીતે ડારા દેવા માંડયો હતો. મેં તેને મારો શું વાંક છે? ભાઇ તેમ કહેતાં તેણે સીધો કાંઠલો પકડી લીધો હતો અને આમ વાહન હંકારાય? તેમ બોલી હાલ ગાડીમાં બેસી જા પોલીસ સ્‍ટેશને લઇ જાવો છે. તેમ કહેતાં મેં કહેલ કે મારો કંઇ વાંક નથી, છતાં મને પોલીસ સ્‍ટેશને લઇ જાવો હોય તો ચાલો હું આવું. મને પણ પોલીસવાળા ઓળખે છે તેમ કહી મેં મારા બે-ત્રણ પરિચીત પોલીસ મિત્રોના નામ આપતાં એ શખ્‍સ એ પોલીસવાળાને પણ ગાળો ભાંડવા માંડયો હતો અને મારીને પાણીમાં નાંખી દઇશ તેમ કહી ધમકી આપવા માંડયો હતો.

એ પછી તેણે મારી પાસેના બંને મોબાઇલ ફોન પડાવી લીધા હતાં. મને લૂંટી લેવાનો જ તેનો ઇરાદો જણાતો હતો. મેં તેને ખુબ આજીજી કરી હાથ જોડયા હતાં. પણ તે સતત મને ધમકાવતો હતો. અંતે દૂરથી બીજા વાહનો આવતાં જોઇ એ શખ્‍સ પોતાની કાર લઇને રાજકોટ તરફ ભાગી ગયો હતો. આ શખ્‍સ રાજકોટનો જ કોઇ લુખ્‍ખો હોવાનું જણાતું હતું.

હું ખુબ ગભરાઇ ગયો હોવાથી સીધો આજીડેમ પોલીસ મથકે ગયો હતો અને એ શખ્‍સની કારના નંબર તથા વર્ણન સહિતની વિગતો આપી અરજી લખાવી હતી. પોલીસે પણ આ શખ્‍સ અગાઉ પણ આવા ખેલ કરી ચુક્‍યાની અને પોલીસ તેને શોધતી હોવાની વાત કહી હતી.

વશરામભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે મેં કારના નંબર અને વર્ણન આપતાં પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરવા તજવીજ કરી છે.

 

(12:34 pm IST)