રાજકોટ
News of Friday, 1st June 2018

નવલનગરમાં ભરવાડ બંધુની હત્યાનો પ્રયાસઃ એક ગંભીર

અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા નામચીન કાનો ઉર્ફ લાલો બોરીચા, તેનો ભાઇ સંજય, પિતા ડાયા, માતા હંસા અને નાગજી વરૂ મોડી રાત્રે છરીથી તૂટી પડ્યા : લક્ષમણ ઉર્ફ લખન મેવાડા (ઉ.૩૦) અને તેનો ભાઇ મારૂતિ મેવાડા (ઉ. ૨૮) સારવારમાં: લખને પોતાની વેન પાર્ક કરવી હોઇ આડેધડ પડેલા વાહનો સાઇડમાં રાખતાં કાનો બોરીચા સહિતે ડખ્ખો કર્યોઃ મારૂતિના પેટમાંથી આંતરડા નીકળી ગયાઃ તેની હાલત ગંભીરઃ બોરીચા દંપતિ સહિત ત્રણ સકંજામાં

હત્યાનો પ્રયાસઃ પડોશી બોરીચા શખ્સે કાનો ઉર્ફ લાલાએ પોતાના ભાઇ સંજય અને માતા-પિતા સહિતની સાથે મળી છરીથી હુમલો કરતાં ગંભીર ઇજા પામનાર મારૂતિ સુરેશભાઇ મેવાડા (ભરવાડ) પ્રથમ તસ્વીરમાં અને બાજુમાં તેનો ભાઇ લક્ષમણ ઉર્ફ લખન સુરેશભાઇ મેવાડા તથા વિગતો જણાવતાં માતા કનુબેન મેવાડા જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧: શહેરમાં હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની ઘટનાઓમાં વધારો થયો છે. નવલનગરમાં રહેતાં અને અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા નામીચા બોરીચા શખ્સે પોતાના ભાઇ, માતા-પિતા સહિતની સાથે મળી પડોશી ભરવાડ યુવાન તથા તેના નાના ભાઇને છરીના ઘા ઝીંકી દેતાં બંને સારવાર હેઠળ છે. જેમાં નાના ભાઇની હાલત ગંભીર છે. ભરવાડ યુવાને પોતાની વેન પાર્ક કરવી હોઇ બોરીચા શખ્સના ઘર પાસે આડેધડ પાર્ક કરાયેલા ટુવ્હીલરને દૂર હટાવતાં બોલાચાલી થતાં હીચકારો હુમલો થયો હતો. મોડી રાત્રે બનેલા આ બનાવમાં માલવીયાનગર પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી હુમલાખોર ભરવાડ શખ્સના માતા-પિતા સહિત ત્રણને સકંજામાં લઇ લીધા છે.

નવલનગર-૩/૧૮ના ખુણે રહેતાં લક્ષમણ ઉર્ફ લખન સુરેશભાઇ મેવાડા (ભરવાડ) (ઉ.૩૪) તથા તેના નાના ભાઇ  મારૂતિ સુરેશભાઇ મેવાડા (ઉ. ૨૮)ને લોહીલુહાણ હાલતમાં મધુરમ્ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં મારૂતિના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હોઇ તાકીદે ઓપરેશનમાં લઇ જવાયો હતો. બનાવની માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં પી.આઇ. એન. એન. ચુડાસમા, પરેશભાઇ જારીયા, જાવેદહુશેન રિઝવી, અરૂણભાઇ બાંભણીયા સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી લક્ષમણ ઉર્ફ લખનની ફરિયાદ પરથી તેના પડોશી કાનો ઉર્ફ લાલો ડાયાભાઇ બોરીચા, સંજય ડાયાભાઇ બોરીચા, ડાયા બોરીચા, હંસા ડાયા બોરીચા અને તેના સગા નાગજી વરૂ સામે આઇપીસી ૩૦૭, ૩૨૬, ૧૪૩, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ મંડળી રચી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા સબબ ગુનો નોંધ્યો હતો.

લક્ષમણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે પોતે સ્કૂલ વેનનું ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. બે ભાઇ અને એક બહેનમાં પોતે સોૈથી મોટો છે. તેનો નાનો ભાઇ મારૂતિભાઇ સુરેશભાઇ મેવાડા ગોકુલનગર-૬માં માતા કનુબેન અને પિતા સુરેશભાઇ સાથે રહે છે અને તે રિક્ષા ડ્રાઇવીંગ કરે છે. ગુરૂવારે રાત્રે સાડા નવ-દસેક વાગ્યા આસપાસ પોતે પુત્ર રોનક (ઉ.૭)ને લઇ નાના ભાઇ મારૂતિના ઘરે ગયા હતાં. ત્યાંથી નાનો ભાઇ પોતાના બાઇકમાં પોતાને અને પુત્ર રોનકને નવલનગરમાં મુકવા આવ્યો હતો. આ વખતે પોતાને પોતાની વેન ઘર પાસે પાર્ક કરવી હોઇ પણ ત્યાં પડોશી લાલા બોરીચાના ઘરે આવેલા શખ્સોના મોટરસાઇકલો આડેધડ પાર્ક કરાયા હોઇ જે પોતે હટાવતો હતો ત્યારે કાનો ઉર્ફ લાલો ધસી આવ્યો હતો અને પોતાને તથા નાના ભાઇ મારૂતિને 'કેમ વાહનો હટાવે છે?' કહી કહી ગાળો દેવા માંડ્યો હતો. ગાળો દેવાની ના પાડતાં તે વધુ ગાળો બોલવા માંડ્યો હતો અને બંને ભાઇઓ સાથે ઝપાઝપી કરવા માંડ્યો હતો.

દેકારો થતાં કાનાનો ભાઇ સંજય ડાયા બોરીચા, તેની માતા હંસા, પિતા ડાયા અને તેની ઘરે આવેલો નાગજી વરૂ દોડી આવ્યા હતાં અને આ બધાએ ગાળગાળી કરી રાડો પાડી મારકુટ કરવા માંડ્યા હતાં. ઝપાઝપી થતાં સંજય બોરીચાએ નાના ભાઇ મારૂતિ મેવાડાને પાછળથી પકડી લીધો હતો અને કાના ઉર્ફ લાલા બોરીચાએ છરીથી હુમલો કરી તેના પેટ અને પીઠના ભાગે ઘા ઝીંકી દીધા હતાં. પોતે (લક્ષમણ) છોડાવવા વચ્ચે પડતાં પોતાને પણ લાલાએ પેટમાં ડાબી બાજુ છરીનો ઘા ઝીંકી દીધો હતો.

આ વખતે હંસા, તેનો પતિ ડાયા બોરીચા અને સાથેનો નાગજી વરૂ કાનો ઉર્ફ લાલો તથા સંજયને ઉશ્કેરતા હતાં અને આજે તો આને પુરા જ કરી નાંખવા છે તેવી બૂમો પાડતાં હતાં. મારૂતિને એટલા ઉંડા ઘા ઝીંકાયા હતાં કે તેના પેટમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતાં. દેકારો થતાં અડોશી-પડોશી ભેગા થઇ ગયા હતાં. રાજુભાઇ વાળંદ, કમલેશભાઇ ધોબી, પ્રકાશભાઇ ખાંટ, જયદિપભાઇ ખાંટ, જગાભાઇ ખાંટ સહિતના ભેગા થઇ ગયા હતાં. મારૂતિ અને લક્ષમણ એમ બંને ભાઇઓ લોહીલુહાણ થઇ ગયા હોઇ એકટીવામાં બેસાડી પહેલા દોશી હોસ્પિટલમાં અને ત્યાંથી મધુરમ્ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પોલીસે લક્ષમણ ઉર્ફ લખનના ઉપરોકત કથનને આધારે ગુનો નોંધી હુમલાખોર લાલો ઉર્ફ કાનો અને સંજય બોરીચાના માતા-પિતા તથા નાગજી વરૂને સકંજામાં લઇ લીધા છે. કાનો અને સંજય ફરાર થઇ ગયા હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

હુમલા વખતે બોરીચા મહિલાએ જાતે જ પોતાના કપડા ફાડી નાંખી બૂમો પાડી કહ્યું-'હવે આના વિરૂધ્ધ ખોટી ફરિયાદ કરવી છે'

. નવલનગરમાં રહેતાં લખન ભરવાડ અને તેના નાના ભાઇ મારૂતિ ભરવાડ પર રાત્રે પડોશી કાનો ઉર્ફ લાલો બોરીચા અને તેના ભાઇ સંજય બોરીચાએ છરીથી હુમલો કર્યો આ બંનેની માતા હંસા બોરીચાએ બંનેને સતત ઉશ્કેરણી કરી આજે તો મારી જ નાંખવા છે તેવી બૂમો પાડી હતી. તેમજ પોતાના કપડા તેણીએ જાતે જ ફાડી નાંખી ભરવાડ ભાઇઓએ કપડા ફાડી નાંખ્યા છે તેવી ખોટી ફરિયાદ કરીને ફસાવી દેવા છે તેવા બરાડા પણ પાડ્યા હતાં. માલવીયાનગર પોલીસે રાત્રે જ હંસા, તેના પતિ ડાયા અને તેના સગા નાગજી વરૂને ઉઠાવી લઇ પુછતાછ આદરી છે. કાનો ઉર્ફ લાલો અને તેનો ભાઇ સંજય બોરીચા ભાગી ગયા છે.

કાનો ઉર્ફ લાલાએ અગાઉ ફોટોગ્રાફર પર હીચકારો હુમલો કરતાં પોલીસે સરઘસ કાઢ્યું'તું

રાજકોટઃ પડોશી ભરવાડ ભાઇઓ પર છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર કાનો ઉર્ફ લાલો બોરીચા અને સંજય બોરીચાએ અગાઉ પણ નવલનગરના પ્રેસ ફોટોગ્રાફર વાળંદ યુવાન પર નજીવી વાતે છરીથી હીચકારો હુમલો કર્યો હતો. આ શખ્સ અવાર-નવાર લત્તામાં સીનસપાટા કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી. તે વખતે પોલીસે તેને પકડી સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યાં હવે તેણે પોતાન ભાઇ અને પરિવારજનો સાથે મળી પડોશી ભરવાડ ભાઇઓની હત્યાનો પ્રયાસ કર્યો છે.

(4:14 pm IST)