રાજકોટ
News of Friday, 1st June 2018

પોસ્ટલ હડતાલઃ દિલ્હીમાં આજે હજારો ડાક સેવકોની રેલી-ધરણાઃ રાજકોટમાં સુત્રોચ્ચાર

તાલુકા મથકોએ ટપાલો-પાર્સલોના ઢગલાઃ અનેક પાર્સલ પરત ગયાઃ દેકારો... : હડતાલનો આજે ૧૧મો દિવસઃ સરકાર મચક આપતી નથીઃ કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં

રાજકોટ તા. ૧ :.. ગ્રામીણ ડાક સેવકની અચોકકસ મુદતની દેશ વ્યાપી હડતાલ ચાલી રહેલ છે. જેમાં રાજકોટ હેડ પોસ્ટ ઓફીસે ધરણાનો કાર્યક્રમ ત્રણ દિવસનો રાખવામાં આવેલ છે, જેમાં મેટોડા જીઆઇડીસી, પડધરી અને સરધાર બ્રાન્ચ પોસ્ટ ઓફીસનાં જીડીએસનો તમામ સ્ટાફ હડતાલમાં જોડાયેલ છે. આ હડતાલને સફળ બનાવવા ગ્રામીણ ડાક સેવકનાં એનએફપીઆઇ યુનિયનનાં સેક્રેટરી જયંતિભાઇ સોરઠીયા, પ્રમુખ બી. એમ. દવે (માધાપર) ખોડુભા જાડેજા (મેટોડા જીઆઇડીસી) તેમજ ન્યુ દિલ્હીનાં એઆઇયુઇ યુનિયન વર્કીંગ  પ્રેસીડન્ટ શરદભાઇ તેરૈયા, રાજકોટ ડીવીઝનનાં પી-૩ નાં સેક્રેટરી કે. બી. ચુડાસમા તેમજ પોસ્ટમેન યુનિયનનાં સેક્રેટરી દામજીભાઇ ચાવડા સહિત સૌ આગેવાનો હડતાલને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ દિલ્હી ખાતે ધરણા તેમજ રેલીનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજકોટ ડીવીઝનનાં છ જીડીએસ આગેવાનો પહોંચી ગયા છે.

આજે સાંજે ૬ વાગ્યે હેડ પોસ્ટ ઓફીસ રાજકોટ ખાતે સઘળા કર્મચારીના સુત્રોચ્ચાર કરવામાં આવશે તેમ એક યાદીમાં ઉમેરાયુ છે, દિલ્હીમાં આજે દેશભરમાંથી આવેલ હજારો ગ્રામીણ ડાક સેવકોની રેલી - ધરણા યોજાયા છે.

બીજી બાજૂ પોસ્ટલ કર્મચારીઓની હડતાલ આજે ૧૧ માં દિવસમાં પ્રવેશી છે, બે વખત મંત્રણા ફેઇલ ગઇ છે, સરકાર મચક આપતી નથી, તો સામે ગ્રામીણ ડાક સેવકો લડી લેવાના મુડમાં છે.

તાલુકા મથકોએ ટપાલો-પાર્સલોના ઢગલા થયા છે. સંખ્યાબંધ પાર્સલો-ટપાલ ૬ દિવસના નિયમ મુજબ પરત જતા લોકોમાં દેકારો બોલી ગયો છે, રોજનું લાખો રૂ.નું નુકશાન થઇ રહ્યાનું સાધનોએ કહયું હતું.

(11:47 am IST)