રાજકોટ
News of Saturday, 1st May 2021

સિવિલ હોસ્પિટલ ઇમર્જન્સી વોર્ડમાંથી ગઇકાલે ફોન લઇ ભાગ્યો, આજે ફરી આવ્યો ને પકડાયો

આશિષ નામના શખ્સે દાખલ દર્દીના પુત્ર પાસેથી વાત કરવાના બહાને ફોન માંગ્યો ને લઇને ભાગી ગયોઃ આજે સવારે ફરી એ જ વોર્ડમાં આવતાં દબોચી પોલીસને સોંપાયોઃ કારખાનાની મજૂરી બંધ થતાં પૈસા માટે આવુ કર્યાનું રટણ

રાજકોટ તા. ૧: સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં દાખલ દર્દીના પુત્ર પાસેથી ગઇકાલે સવારે એક યુવાને પોતાના સગા કોવિડમાં દાખલ છે, તેમની સાથે વાત કરવી છે તેવું બહાનુ બતાવી મોબાઇલ ફોન મેળવ્યો હતો અને બાદમાં વાત કરવાના બહાને નજર ચુકવી ફોન લઇ ભાગી ગયો હતો. આ શખ્સ આજે ફરીવાર સવારે એ જ વોર્ડમાં આવતાં ગઇકાલે ફોન ગુમાવનાર તેને ઓળખી જતાં દબોચી લીધો હતો અને પોલીસને બોલવી સોંપી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ મનહરપ્લોટમાં રહેતાં આશિષભાઇ અઢીયાના પિતા નરેશભાઇને સિવિલ હોસ્પિટલ ઇમર્જન્સી વોર્ડમાં દાખલ કરાયા હોઇ ગઇકાલે સવારે એક શખ્સ આશિષભાઇ પાસે આવ્યો હતો અને પોતાના સગા કોવિડ સેન્ટરમાં હોઇ તેમની સાથે વાત કરવા મોબાઇલ ફોનની જરૂર છે તેમ કહેતાં આશિષભાઇએ માનવતા દાખવી પોતાનો પંદર હજારનો ફોન આપ્યો હતો. પરંતુ એ શખ્સ બાદમાં વાત કરવાનો ડહોળ કરી ધીમે ધીમે દૂર જઇ બાદમાં દોટ મુકી ફોન લઇ ભાગી ગયો હતો. આશિષભાઇએ દોટ મુકી હતી પણ હાથમાં આવ્યો નહોતો.

ત્યાં આજે વહેલી સવારે ફરીથી ગઇકાલે ફોન લઇ ભાગેલો શખ્સ ઇમર્જન્સી વોર્ડમાં આવી આટાફેરા કરતો હોઇ આશિષભાઇની નજરે ચડી જતાં તેને દબોચી લઇ પોલીસને જાણ કરી પોલીસને સોંપ્યો હતો. પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ આશિષ કિશોરભાઇ (રહે. જીલ્લા ગાર્ડન પાસે) જણાવ્યું હતું. પોતે કારખાનામાં મજૂરી કરે છે. પણ ચારેક દિવસથી કામ મળતું ન હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં આવું કર્યાનું રટણ કર્યુ હતું.

(3:46 pm IST)