રાજકોટ
News of Saturday, 1st May 2021

'કોરોના રક્ષક પોલીસી'ની કલેઇમ રકમ નહીં ચુકવતા ફયુચર જનરાલી ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપની સામે ફરીયાદ દાખલ

રાજકોટ,તા. ૧: રાજકોટના રહીશ મીતેશ કિરીટભાઇ ચગએ ફયુચર જનરાલી ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 'કોરોના રક્ષક પોલીસી' લીધેલ હતી. ફરીયાદની વિગતો મુજબ ફરીયાદીની પોલીસી કવર તા. ૨૦/૭/૨૦૨૦ થી ૩૦/૪/૨૦૨૧ સુધી હતું. તે સમય દરમ્યાન ફરીયાદીને તા. ૨૮/૯/૨૦૨૦ના રોજ કોરોના પોઝીટીવ થતા તેમજ તેના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાથી સ્ટાર સીનર્જી હોસ્પિટલમાં આશરે ૭ દિવસ સારવાર લીધા બાદ સ્વસ્થ થયેલ છે.ફરિયાદી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ સારવારને લગતા તમામ મેડીકલ બીલ, ડિસ્ચાર્જ સમરી, રીપોર્ટ, પ્રિસ્ક્રીપ્શન તથા અન્ય મેડીકલ પેપર્સ કંપનીને સોંપેલ હતા પરંતુ કંપનીએ કોઇ પણ જાત પેપર્સ ચકાસયા વગર ફરીયાદીનો કલેઇમ રીજેકટ કરેલ અને ત્યારબાદ ફરીયાદીએ સદરહું કલેઇમ બાબતે એડવોકેટ મારફત કંપનીને પાઠવેલ નોટીસ યોગ્ય રીતે બજી ગયા હોવા છતા, નોટીસ પીરીયડમાં કે આજ દિવસ સુધી કલેઇમ રકમ ચુકવવા દરકાર કરેલ ન હોય. રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

ફરીયાદીની વિગત તથા દસ્તાવેજો ધ્યાને લઇ નામ. ફોરમએ કંપનીને આગામી મુદત હાજર થવા કાયદાના પ્રબંધો મુજબ નોટીસ ઇસ્યુ કરેલ છે. આ કામમાં ફરીયાદીના એડવોકેટ દરજ્જે કાનુની કાર્યવાહીમાં રાજદીપ એમ. દાસાણી, જય ભારત ધામેચા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(2:48 pm IST)