રાજકોટ
News of Monday, 1st March 2021

વેકસીન માટે મ.ન.પા. તંત્રની અદ્ભૂત વ્યવસ્થા

સિનિયર સિટીઝનોને વેકસીન માટે પ્રોત્સાહિત કરતા આગેવાનો - સંતો

રાજકોટ : આજથી દેશભરમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના દરેક સિનીયર સિટીઝનોને કોરોનાની રક્ષણ આપતી વેકસીન મુકવાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ મ.ન.પા. દ્વારા પણ ૩૮ જેટલા સ્થળોએ વેકસીન મુકવાનું અભિયાન શરૂ થયુ઼ છે. જેમાં નામાંકિત ડોકટરો, પૂર્વ કોર્પોરેટરો, હોદ્દેદારો, સાધુ-સંતો વગેરેએ આજે વેકસીન મુકાવીને સૌ સીનીયર સીટીઝનોને આ વેકસીન મુકાવવા પ્રોત્સાહિત કરી અને વેકસીન મુકાવવા અપીલ કરી હતી. તસ્વીરમાં બી.એ.પી.એસ. સંસ્થાના સંતો વેકસીન મુકાવી રહેલા દર્શાય છે. અન્ય તસ્વીરમાં પૂર્વ સાંસદ સ્વ. અભયભાઇ ભારદ્વાજના પત્ની અલ્કાબેન ભારદ્વાજ, પૂર્વ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન બીપીન અઢીયા, પૂર્વ ડે.મેયર જશુમતીબેન વસાણી, પૂર્વ શાસક પક્ષ નેતા રાજુભાઇ બોરીચા સહિતના અગ્રણીઓ વેકસીન મુકાવી રહેલા નજરે પડે છે. આ તકે બીપીનભાઇ વડાપ્રધાન મોદી સાહેબના આદેશાનુસાર આત્મનિર્ભર ભારતના અભિગમના ભાગરૂપે વિશ્વ વ્યાપી કોરોના રોગ સામે લડવા દેશમાં જ બનાવાયેલ રસીના 'રસીકરણ' કરાવવા તેમજ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના 'આહ્વાન' મુજબ આજરોજ પી.ડી.યુ. પંડીત દિનદયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજમાં કરાયેલ વ્યવસ્થા મુજબ રસીકરણ બુથ ઉપર વેકસીન લીધી હતી ત્યારે રાજકોટ મ્યુ. કોર્પોરેશનના જાગૃત આરોગ્ય અધિકારી ડો. પંકજભાઇ રાઠોડ તમામ, રસીકરણ લેતા સીનીયર સીટીઝનો સેવામાં ખડેપગે રહેતા હતા. શ્રી અઢિયાએ જણાવેલ કે, કોરોનાકાળના કપરા સમયમાં દરેક સિનીયર સિટીઝને આ રસીકરણનો લાભ લેવો જોઇએ. તેઓએ સીવીલ હોસ્પિટલના સ્ટાફની અદમ્ય સેવાના વખાણ કર્યા હતા. તો સાથો સાથ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન તથા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. રાઠોડની સેવાની પણ પ્રશંસા કરી રાજકોટ શહેરીજનો કોઇ પણ પ્રકારના 'ડર' વગર નિઃસંકોચ વગર રસીકરણ સીનીયર સીટીઝને લેવું જ રહ્યું એવી વિનમ્ર અપીલ કરેલ છે.

(4:51 pm IST)