રાજકોટ
News of Monday, 1st March 2021

આજથી રાજકોટ જિલ્લામાં ૬૦ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેકસીન આપવાનું શરૂ

૪૫ થી ૫૯ વર્ષના લોકો કે જેમને સરકારે નક્કી કરેલ ૨૦ પ્રકારની બીમારી છે... તેમને પણ મેડીકલ સર્ટીફિકેટ ઉપર કોરોના વેકસીન અપાશે : ગામડા ક્ષેત્રમાં ૫૪ આરોગ્ય કેન્દ્રો અને ૧૨ સામૂહિક કેન્દ્રો તથા ૫ જિલ્લા હોસ્પિટલમાં મફત રસી અપાશે : જિલ્લાની ૭ ખાનગી હોસ્પિટલ ફાઇનલ કરાઇ

રાજકોટ તા. ૧ : આરોગ્ય તંત્ર દ્વારા હવેથી ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના તથા તા. ૧/૧/૨૦૨૨ સુધીમાં જેમને ૬૦ વર્ષ પૂરા થવાના છે તેવા તમામ લોકો અને ૪૫ વર્ષ થી ૫૯ વર્ષ સુધીના લોકો કે જેમને સરકાર દ્વારા નક્કી કરેલ ૨૦ જાતની બીમારી છે તેવા કોમોરબીડિટી ધરાવતા લોકો બીમારી અંગેનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરી. આજથી વેકિસન મેળવી શકશે. જેમાં સરકારશ્રીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PM-JAY) અંતર્ગત જોડાયેલ પ્રાઈવેટ હોસ્પિટલમાં ૧૦૦ રૂપિયા સર્વિસ ચાર્જ અને ૧૫૦ રૂપિયા વેકિસનનો ચાર્જ એમ કુલ ૨૫૦ રૂપિયા ચૂકવી વેકિસન મેળવી શકશે. જયારે ગ્રામ્ય વિસ્તારના ૫૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૨ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, અને ૫ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ ખાતે મફત વેકિસન મેળવી શકશે.

આ વેકિસન મેળવવા લાભાર્થીએ સરકારશ્રીની કોવિન એપ, આરોગ્ય સેતુ એપ થકી પોતાનું નામ રજીસ્ટર કરાવવાનું રહેશે. જો અગાઉ નામ રજીસ્ટર કરાવેલ ન હોય તો પણ રૂબરૂ સ્થળ પર પોતાની ઓળખના આધારો જેમકે આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ કે સરકારશ્રી દ્વારા અપાયેલ કોઈપણ ઓળખ કાર્ડ ની કોપી આપવાથી તેમનું રજીસ્ટ્રેશન થઈ શકશે. રજીસ્ટ્રેશન થાય તે અંગેનો મેસેજ આવશે, ત્યારબાદ જેતે સંસ્થા દ્વારા જણાવવામાં આવે તે દિવસે અથવા વેકિસન લેવાનો મેસેજ આવે તે દિવસે વેકિસન લઈ શકશે.

રાજકોટ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પ્રાઈવેટ હોસ્પિટલો નીચે મુજબ છે.

૧. કટેશિયા હોસ્પિટલ - જસદણ શહેર 

૨. ક્રિષ્ના હોસ્પિટલ - ગોંડલ શહેર.

૩. શ્રી રામ હોસ્પિટલ - ગોંડલ શહેર

૪. તેલી હોસ્પિટલ - ધોરાજી શહેર.

૫. ક્રિષ્ના હોસ્પિટલ - ઉપલેટા શહેર.      ૬. ઈશ્વર સર્જીકલ હોસ્પિ. - જેતપુર શહેર

૭. સાકર ઓર્થોપેડિક હોસ્પિ.-જેતપુર શહેર  

આ કામગીરીના આયોજન અને અમલવારી  કલેકટર શ્રીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી રાજકોટ ખાતે એક બેઠક મળી હતી જેમાં  જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવાસિયા , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વતી ડો. એમ.એસ.અલી, ડો. નીલેષ રાઠોડ  દ્વારા વિગતવાર પ્રાઈવેટ હોસ્પિટલ ના જવાબદાર અધિકારીશ્રીઓ વેકિસન સાઈટ ઉભી કરવી, કેવી રીતે વેકસિનેશન કરવું, બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ અને સાથેસાથે કોવિડ થી બચવાના ઉપાયો અંગે વિગતવાર  સમજ આપવામાં આવેલ હતી.

આ કામગીરીની સફળતા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જવાબદાર તમામ અધિકારીશ્રીઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગ કરી સેસન સાઈટ ક્રિએટ કરવી વગેરે તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવેલ છે. 

જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા આ રસીકરણનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.

(10:20 am IST)