રાજકોટ
News of Wednesday, 1st February 2023

બેટી રામપરામાં ઠંડીમાં ઠૂંઠવાતા ભિક્ષુકનું મોત

રાજકોટ તા. ૧: હાડ થીજવતી ઠંડીને કારણે વધુ એકનું મોત થયું છે. અગાઉ ગોકુલધામ પાસેના ક્‍વાર્ટરમાં એક વૃધ્‍ધનું મોત થયું હતું. દરમિયાન કુવાડવાના રામપરા બેટી ગામના રોડ પર અજાણ્‍યા આશરે ૪૦ વર્ષના ભિક્ષુકનું ઠંડીમાં ઠૂંઠવાઇ જતાં મોત નિપજ્‍યું છે. રામપરા બેટી ગામના સરપંચ વિજયભાઇ ભાનુભાઇ ભલગામડીયાએ જાણ કરી હતી કે બેટી રામપરા ગામની વચ્‍ચેના રોડની ડાબી સાઇડમાં એક અજાણ્‍યા ભિક્ષુકનો મૃતદેહ પડયો છે. આને આધારે એરપોર્ટ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એ. કે. રાઠોડ તથા કેશુભાઇએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. અજાણ્‍યા ભિક્ષુકનું મોત ઠંડીમાં ઠૂંઠવાઇ જવાને કારણે થયાનું બહાર આવ્‍યું હતું. પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. 

(11:48 am IST)