રાજકોટ
News of Thursday, 1st February 2018

પ્રાર્થના એ આત્માનો ખોરાકઃ નરેન્દ્રભાઇ વિઠ્ઠલાણી

રાજકોટઃ ગાંધીજીના બાલ્યકાળના નિવાસસ્થાન કબા ગાંધીના ડેલામાં પૂજય મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી અર્પવા વિદ્વાન વકતાનું  પ્રવચન રાખવામાં આવતું હોય છે. આ વખતે રાજકોટ જિલ્લા ટ્રેઝરી ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે સરકારી કામ કરતા ગાંધી સાહિત્યના પ્રખર અભ્યાસુ નરેન્દ્રભાઇ વિઠ્ઠલાણીનું પ્રવચન રાખવામાં આવેલ. તેઓએ 'ગાંધીજી અને શહિદી' વિષય ઉપર પોતાના વિચારો રજુ કરતા જણાવેલ કે ગાંધીજીને પ્રાર્થના ખૂબજ પ્રિય હતી. 'પ્રાર્થના એ આત્માનો ખોરાક છે' તેવું ગાંધીજી માનતા હતા. પૂ. ગાંધીજી સવાર-સાંજ જે પ્રાર્થના કરતા હતા અને જે પ્રાર્થના આશ્રમ ભજનાવલિમાં પ્રસિધ્ધ થયેલ છે તેની 'ગાંધી પ્રાર્થના' સીડી સુરક્ષાસેતુ સોસાયટી રાજકોટ શહેરનાં સહયોગથી તૈયાર કરવામાં આવેલ સીડીનું વિમોચન પૂર્વ શ્રમ મંત્રી મનસુખભાઇ જોષીનાં હસ્તે કરવામાં આવેલ છે. ''ગાંધી પ્રાર્થના''માં સંગીત સંચાલન જાણીતા સંગીતકાર બ્રિજેન ત્રિવેદીએ કરેલ. પ્રાર્થનાનાં સ્વર બ્રિજેન ત્રિવેદી, રાજેશ વ્યાસ, ધ્વનિ વચ્છરાજાની, અમિ ત્રિવેદી, નેહા ત્રિવેદીએ આપેલ. કુરાન પ્રાર્થના હાફીઝ મુજમ્મીલ દ્વારા રજૂ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાનાં મંત્રી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ કરેલ. પ્રાર્થનાસભામાં સંસ્થાનાં ટ્રસ્ટી કુમુદબેન નેને, વિનોદભાઇ ગોસલીયા, પ્રશાંતભાઇ શેઠ, ધીરૂભાઇ ધાબલિયા તેમજ આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓએ હાજર રહેલ.

(4:01 pm IST)