રાજકોટ
News of Friday, 1st January 2021

રાજકોટ જીલ્લામાં સંખ્યાબંધ ચેકડેમો-તળાવો ઉંડા ઉતારવામાં રીપેર કરવામાં નહિવત કામગીરી થઈ છેઃ વિસ્તૃત રજૂઆત

ભારતીય કિસાન સંઘના કલેકટર કચેરીએ દેખાવોઃ મુખ્યમંત્રીને સંબોધી આવેદન

ભારતીય કિસાન સંઘે ચેકડેમો - તળાવો અંગે કલેકટર કચેરીએ દેખાવો યોજી આવેદન પાઠવ્યુ હતું (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧ :. ભારતીય કિસાન સંઘ રાજકોટએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી રાજકોટ જીલ્લાના ચેકડેમો, તળાવો, રીપેર કરવા, ઉંડા કરવા અને નવા બનાવવા માટે ત્રણ ત્રણ વર્ષથી માંગણી કરવા છતા નહીવત બરાબર કામ અંગે રજૂઆત કરી છે.

આવેદનમાં ઉમેરાયુ હતુ કે ગયા વર્ષે અતિવૃષ્ટિના હિસાબે ઘણા બધા ચેકડેમોો તૂટી પણ ગયેલ છે. દર વર્ષે સરકાર રીપેરીંગ નથી કરતા તેના કરતા તેના કરતા વધારે ડેમોની અંદર નુકસાન થાય છે તો આ વર્ષે તેવા દરેક ડેમો રીપેરીંગ અને ઉંડા કરવા જોઈએ.

છેલ્લા ત્રણ વર્ષમાં ચેકડેમને લઈને વારંવાર રજૂઆત કરવા છતા આ સરકાર ગામડાઓના આ ગંભીર પ્રશ્ન ઉપર દેખાડવા પુરતુ નહીવત બરાર કામ કરેલ છે. બે વર્ષ પહેલા ભારતીય કિસાન સંઘને કલેકટરશ્રીએ રાજકોટ જીલ્લામાં કેટલા ચેકડેમો અને તળાવો રીપેર કરવા, ઉંડા કરવા અને નવા બનાવવા માટે જીલ્લામાં સર્વે કરાવી વિગતવાર માહિતી અને દરખાસ્ત રજુ કરવા જણાવવામાં આવેલ હતું.

તેમજ કિસાન સંઘના આગેવાનોએ ડેમ અને તળાવો અંગે રાજકોટ જીલ્લાના ૫૯૨ ગામોના ૨૯૦૦ ચેકડેમ અને તળાવો  અંગે વિગતો મેળવી. ચેકડેમો-તળાવોના સર્વે દરમ્યાન ભૂતકાળમા થયેલી કામગીરીમાં ઘણી બધી બેદરકારી દેખાયેલ છે. તે જોતા વ્યવસ્થિત અને કાયદેસર ડેમોના કામો થયેલ નથી. ઘણા બધા એવા ડેમો છે જેને તાત્કાલીક રીપેરીંગ કરવામાં ન આવે તો આવતા સમયમાં વધારે નુકસાની ભોગવવી પડશે.

સમાજની અંદર ઘણી બધી સંસ્થાઓએ જેમ કે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા જામકા ગામની અંદર વર્ષોથી બનાવેલ ચેકડેમો હાલમાં પણ ઉપલબ્ધ છે તો સરકારશ્રીએ બનાવેલ ચેકડેમોને શું તકલીફ પડે છે તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે.

સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે દરેક ગામની અંદર ભારતીય કિસાન સંઘની કમિટી છે તો આ ચેકડેમના કામની અંદર આ કમીટીના લોકોનું માર્ગદર્શન લઈને કાર્ય આગળ વધારવુ તેમજ કામ પૂર્ણ થઈ ગયા પછી આ કમીટીનું લેખીતમાં પણ પ્રમાણપત્ર લેવાનો આગ્રહ રાખવામાં આવે તો કદાચ ડેમના કામકાજની અંદર સારી એવી મજબુતાઈ વધી શકે. આવેદન દેવામાં ભારતીય કિસાન સંઘના રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, પી.વી. મણવર, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાણી, રમેશભાઈ હાપલીયા, મનોજ ડોબરીયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઈ સોરઠીયા, માધુભાઈ પાંભર, બચુભાઈ ધામી, શૈલેષભાઈ સીદપરા વિગેરે જોડાયા હતા.

(2:51 pm IST)