રાજકોટ
News of Friday, 1st January 2021

આત્મહત્યાના ગુના સબબ આરોપીઓ સામે નોંધાયેલ એફ.આઇ.આર રદ કરવા હુકમ

રાજકોટ, તા.૧: અત્રે વાલ્મીકી આવાસ કવાર્ટરમાં રહેતા મુળ ફરીયાદી પુત્રી ગુજરનાર નેહાબેન નિર્મળભાઇ બોરીચાને સગાઇ તોડી નાખવાની ધમકી આપવાના તથા આત્મહત્યા જેવી ગંભીર પ્રકારનો ગુન્હો કરાવવા માટે આ કામના આરોપીઓ અનુક્રમે નં.(૧) પ્રકાશભાઇ ગોવિંદભાઇ પરમાર નં.(૨) ગોવિંદભાઇ ચનાભાઇ પરમાર તથા નં.(૩) જોશનાબેન ગોવિંદભાઇ પરમાર બધા રહે. પરસાણાનગર, જી.રાજકોટ વાળાઓને, મુળ ફરીયાદી સાથે ઘરમેળે સમાધાન થતા આ કામના આરોપીઓ વિરૂધ્ધ સદરહું ગુન્હાઓ સંબંધે નોંધાયેલ એફ.આઇ.આર. રદ કરવાનો હુકમ ગુજરાત હાઇકોર્ટ ફરમાવેલ હતો.

ટૂંકમાં વિગત એવી છે કે, આ કામના આરોપી નં.૨ તથા ૩નાઓનો પુત્ર એટલે આરોપી નં.૧નાની સગાઇ મુળ ફરીયાદી નયનાબેન વા/ઓફ.નિર્મળભાઇ બોરીચા રહે. ઋષિ વાલ્મિકી આવાસ, કવાર્ટર નં.ડી/૧૦, બી -ડીવીઝન પોલીસ સ્ટેશનની સામે, પેડક રોડ, રાજકોટવાળાની પુત્રી ગુજરનાર નેહાબેન નિર્મળભાઇ બોરીચાની સાથે એક વર્ષ પહેલા સમાજના રીતરિવાજ મુજબ સગાઇ કરાવેલ હતી. તેમજ સગાઇ બાદ આ કામના આરોપીઓ, મુળ ફરિયાદીની ગુજરનાર પુત્રીના ચારિત્રય પર શંકા-કુશંકા કરતા અને મેણાંટોણાં મારી અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકી આપતા જેના લીધે મુળ ફરીયાદીની ગુજરનાર પુત્રી નેહા નિર્મળભાઇ બોરીચાએ તા.૨૧-૧૧-૨૦૧૯ના રોજ ગળા ફાંસો  ખાઇ આત્મહત્યા (સુસાઇટ) કરેલ હતું. જે અંગે ગુજરનાર પુત્રીના માતૃશ્રી નયનાબેન વા./ઓફ. નિર્મળભાઇ બોરીચાએ, આ કામના આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી.ની કલમ- ૩૦૬, ૫૦૬(૨), ૩૨૩, ૧૧૪ મુજબનો ગુન્હાઓ કર્યાની બી. ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ/એફ.આઇ.આર નોંધાવેલ હતી.

ત્યારબાદ આ કામના આરોપીઓ સદરહું ગુન્હાઓમાં જામીન પર મુકત થતા આ કામના આરોપીઓ તથા મુળ ફરિયાદીને ઘરમેળે સમાધાન થઇ જતાં સદરહું ગુન્હાઓ સંબંધે આ કામના આરોપીઓ વિરૂધ્ધ મુળ ફરિયાદી કોઇપણ પ્રકારની કાયદેસરની કાનુની કાર્યવાહી કરવા ઇચ્છતા ન હોય જેથી ગુજરાત હાઇકોર્ટમાં આરોપીઓએ એફ.આઇ.આર રદ કરવા સંબંધેની અરજી દાખલ કરેલ હતી. જે અરજી બોર્ડ પર આવતા અરજીની હકીકતો/ત્થયોને ધ્યાને લઇ તથા વકીલશ્રીએ કરેલ વિશેષ રજુઆતોને ધ્યાને લઇ તથા નામદાર સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટોને ધ્યાને લઇને ગુજરાત હાઇકોર્ટે આ કામના આરોપીઓ વિરૂધ્ધ સદરહું રાજકોટના બી-ડીવીજન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફ.આઇ.આર રદ કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામના આરોપીઓ વતી રાજકોટ એડવોકેટસ અજય એમ.ચૌહાણ તથા ડેનિશ મહેતા અમદાવાદના સીનીયર એડવોકેટ રિથીન રાવલ રોકાયા હતા.

(2:49 pm IST)