રાજકોટ
News of Friday, 1st January 2021

કાર્યકરોને 'દોડવા' માટે વધુ એક આશાઃબોર્ડ-નિગમોમાં ચૂંટણી પછી નિમણૂકો

રાજ્ય સરકારમાં રાજકોટમાંથી એક માત્ર ધનસુખ ભંડેરી ચેરમેન રહ્યાઃ સતત ૬ વર્ષ ચેરમેન રહેવાનો વિક્રમ

રાજકોટ, તા. ૧ :. રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ - નિગમોમાં નિમણૂકો માટે કાર્યકરોએ હજુ વધુ રાહ જોવી પડશે. નવુ પ્રદેશ માળખુ અને બોર્ડ નિગમોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે નિમણૂકો થવાની શકયતા નહિવત છે. કાર્યકરોને સરકારી પદ પર ચૂંટણીઓ પછી જ નિયુકત કરવાની ગણતરી છે. ચૂંટણી પહેલા બોર્ડ-નિગમોમાં નિમણૂકો કરવાથી બાકી રહી ગયેલાઓમાં અસંતોષ થવાની શકયતા રહે. ચૂંટણીમાં સારી આશાએ કાર્યકરોને સક્રીય રાખવાનો પાર્ટીનો હેતુ હોય શકે.

ગયા ઓકટોબરના છેલ્લા અઠવાડિયામાં ૧૮ જેટલા બોર્ડ-નિગમોના ચેરમેનોની મુદત પુરી થતા જગ્યા ખાલી પડી છે. અમુક બોર્ડ - નિગમો તે પહેલાના ખાલી છે.રાજ્ય સરકારના બોર્ડ - નિગમમાં હવે રાજકોટમાંથી એક માત્ર ધનસુખ ભંડેરી મ્યુ. ફાઈનાન્સ બોર્ડમાં રહ્યા છે. જિલ્લામાંથી ભરત બોઘરા જળસંચયના ચેરમેન છે. ભંડેરીની બીજી વખતની નિમણૂકના ૩ વર્ષ ગઈકાલે પુરા થઈ ગયા છે. સામાન્ય રીતે સરકાર ૩ વર્ષ માટે ચેરમેનની નિમણૂક કરતી હોય છે. સરકારી સૂત્રો કહે છે કે ભંડેરી અને મૂળુભાઈ બેરાની નિમણૂક વખતે હુકમમાં 'બીજો હુકમ ન થાય ત્યાં સુધી' તેવુ લખેલ તેથી બન્ને હાલ ચેરમેન પદે યથાવત રહ્યા છે. રાજકોટના કોઈ અગ્રણી સરકારના બોર્ડ - નિગમમાં સળંગ ૬ વર્ષ સેવા આપીને પછી પણ યથાવત રહ્યા હોય તેવુ પ્રથમ વખત બન્યુ છે. માસ્તરનું 'રાજકીય' ગણિત ગુજરાતીમાં ન સમજાય...

(11:31 am IST)