રાજકોટ
News of Friday, 1st January 2021

૨૦૨૧નો વિકાસમય પ્રારંભ કરાવતા નરેન્દ્રભાઈ મોદી - વિજય રૂપાણીઃ લાઈટ હાઉસ પ્રોજેકટનો શિલાન્યાસ : ૧૧૨ કરોડના કામોને લીલીઝંડી

વડાપ્રધાનશ્રીએ દિલ્હીથી રાજકોટના આવાસ પ્રોજેકટનું ઓનલાઈન ખાતમુહૂર્ત કર્યુ

રાજકોટ, તા. ૧ : આજે ૨૦૨૧ નૂતન વર્ષનો પ્રારંભ થયો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજકોટમાં નૂતન વર્ષનો વિકાસમય પ્રારંભ થયો છે. કેમ કે વડાપ્રધાન શ્રી મોદીએ ૧૧૮ કરોડની લાઈટ હાઉસ આવાસ યોજના અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૧૩ કરોડના વિવિધ વિકાસ કામોને લીલીઝંડી આપી હતી.

આ અંગેની વિગતો મુજબ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર 'લાઈટ હાઉસ' પ્રોજેકટ આવાસ યોજનાનું ઈ-ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સવારે કરવામાં આવેલ. તેમજ આ તકે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રૈયા ગામ નજીક અદ્યતન ૧૧૪૪ આવાસ

રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટસીટી વિસ્તારમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેકટ આવાસ યોજનાનું મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે. જેથી આવાસ યોજનાની કામગીરી સારી અને ઝડપી બનશે. સ્માર્ટસીટી એરિયામાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેકટ માટે રૂ. ૧૧૮ કરોડના ખર્ચે EWS-II (૪૦.૦૦ ચો.મી.) પ્રકારના ૧૧૪૪ આવાસો (G+13) નું નિર્માણ કરવામાં આવનાર છે.

રૈયા સ્માર્ટસીટીના ટી.પી. સ્કીમ નં ૩૨ માં ૪૫ મી. રોડ પર આ પ્રોજેકટ સાકાર થવા જઈ રહેલ છે. આ આવાસ યોજના સ્માર્ટસિટી વિસ્તારમાં આવેલ ૩ તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ હોય, આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં ૨ રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવનાર છે.

રૈયા ગામ પરશુરામ મંદિર ખાતે યોજાયેલ આ સમારોહના મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના વિભાગના મંત્રી હરદીપસિંહ પુરી, ગુજરાતના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, હાઈસિંગ અને નિર્મળ ગુજરાત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્રેટરી લોચન સહેરા અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત વગેરે ઉપસ્થિત રહેલ.

મ.ન.પા.ના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ

આ ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫માં અમૃત યોજના અંતર્ગત આજી ડેમ વિસ્તારના હીલ ગાર્ડન પાસેની ખુલ્લી જગ્યામાં લેન્ડ સ્કેપીંગ તથા ગાર્ડન, વોર્ડ નં.૦૩ માં રેલનગર વિસ્તારોમાં પાણીની ડી.આઇ. પાઇપ લાઇન, જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી દુર કરવા માટે Aquatic Weed Harvester Cum Weed Removal મશીન અને વોર્ડ નં.૧૪ માં કોઠારીયા રોડ પર આવેલ વોર્ડ ઓફિસ – ૧૪ (અ) માં નવી વોર્ડ ઓફિસનું લોકાર્પણ થયેલ.

ઉપરાંત રસ્તા, ગટર, પાણીની લાઈન સહિતના અંદાજે ૨૦ થી ૨૫ જેટલા વિકાસ કામોના ખાતમૂર્હૂતો કરાયા હતા.

રૂડાના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ - ખાતમુહૂર્ત

સાથોસાથ રાજકોટ શહેરી વિકાસ સત્ત્।ા મંડળ (રૂડા) ના રૂડા વિસ્તારના માધાપર ગામે ભુગર્ભ ગટર, ટી.પી.-૯, ટી.પી-૧૭ અવધ રોડ અને ગોકુલ-મથુરા સોસાયટીના રસ્તાનું ડામર કામ, રીંગરોડ-૨, ફેઝ-૨ ચે.૬૨૦૦ પર બ્રીજ, શિવાલય એપાર્ટમેન્ટ થી રીંગરોડ (મારૂતી સુઝુકી શોરૂમ) મોરબી બાયપાસને જોડતાં રસ્તાનું ડામર કામ, કાલાવડ રોડ થી હરીપર (પાળ) ગામને જોડતા રસ્તાનું ડામર કામ, ટી.પી.-૧૦ અને ટી.પી.-૧૭ નાં રીઝર્વેશન પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ, રૂડા વિસ્તારનાં વિવિધ ગામોમાં સી.સી. રોડ(ફેઝ-૨)નું લોકાર્પણ થયેલ.

જયારે નારણકા અને વાજડીગઢ ગામના રસ્તાનું ડામર કામ, રૂડા ટ્રાન્સપોર્ટ નગર અને ગુંદા થી કુચીયાદડ (કુવાડવા સરધાર રોડ) સુધીના રસ્તાનું ડામર કામ, આણંદપર બસ સ્ટેન્ડ થી અમદાવાદ નેશનલ હાઈવેને જોડતો સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

(11:22 am IST)