Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

બે હજારની લાંચ માંગવાના કેસમાં સ્ટેમ્પ ડયુટી કચેરીના ઈન્સપેકટરનો છૂટકારો

રાજકોટઃ ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની કાર્યવાહી માટે રૂપિયા બે હજારની લાંચની માગણીના ગુનાના કેસમાં રાજકોટ સ્ટેમ્પ ડયુટી  કચેરીના ઈન્સપેકટર વાલજીભાઈ ૨વજીભાઈ બારેવડીયાનો એસીબી અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.

આ કેસની ટુંક હકીકત એવી છે કે, રાજકોટમાં વકીલાત કરતા હીતેષભાઈ મહેતાએ એ.સી.બી. કચેરીમાં ખુટતી સ્ટેમ્પ ડયુટી અંગે નોટિસ બાદ ફેર મુલ્યાંકન અને આગળની કાર્યવાહી માટે  અધિકારી વાલજી રવજી બારેવડીયાએ તેમની પાસેથી રૂ.૨,૦૦૦ની લાંચની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે તા.૩/૪/૨૦૦૭ના રોજ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવાયેલી ટ્રેપમાં પી.જી.વી.સી.એલ.ના બે કર્મચારી પંચો તરીકે અને વકીલ હીતેષભાઈ મહેતા ફરીયાદી તરીકે હાજર રહેલા હતા અને ખુટતી સ્ટેમ્પ ડયુટી અંગેની નોટીસનું મુલ્યાંકન કરી ચલણ ભરી આપવા માટે રૂ.૨,૦૦૦ની માંગણી કરેલ છે તે મતલબનો લાંચનો કેસ ૨૦૦૭ની સાલમાં આરોપી વાલજી રવજી બારેવડીયા સામે કરવામા આવેલ હતો.

તેમાં ફરિયાદપક્ષ તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે ફરીયાદી પોતે એક એડવોકેટ છે અને તેના અસીલોના કામકાજમાં આરોપીની કચેરીએ જવું પડે છે અને આરોપીની લાંચ માંગવાની વૃતિના કારણે તેમને નાછુટકે તેમના અસીલોના કામકાજ માટે આરોપીને લાંચની રકમ આપવાની ફરજ પડે છે. જેથી આવા વ્યકિતઓને સમાજમાં દાખલારૂપ બને તે માટે મહતમ સજા થવી જોઈએ.

જયારે બચાવપક્ષનાં એડવોકેટ ભાવિનભાઈ દફતરી તરફથી એવી રજુઆત કરવામાં આવેલ હતી કે, લાંચ અંગેના કેસમાં મહત્વના ત્રણ મુદ્દાઓ લાંચની રકમની માંગણી, સ્વિકાર તથા રિકવરી ફરીયાદપક્ષ સાબીત કરી શકેલ નથી. પંચો સરકારી કર્મચારી જેવા કે,  પી.જી.વી.સી.એલ.ના પંચ, ટ્રેપિંગ ઓફીસરની જુબાની જોતાં પણ બધા જ સાક્ષીઓના પુરાવાઓ એકબીજાથી વિરોધાભાસ છે. આમ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા તેમની દલીલો અને  તેના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તેમજ હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ પણ રજુ કર્યા હતા. જેના આધારે રાજકોટના સ્પેશ્યલ એન્ડ સેશન્સ જજ યુ. ટી. દેસાઈએ આરોપી વાલજી ૨વજી બારેવડીયાને લાંચના કેસમાં છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં બચાવ પક્ષે વરિષ્ઠ ધારાશાસ્ત્રી સ્વ.નિરંજન દફતરી, પથિક દફતરી, ભાવિન દફતરી, દિનેશ રાવલ, નેહા દફતરી, નૂપૂર દફતરી, મુકેશ કેસરીયા, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પિનલ સાગર, વિક્રાંત વ્યાસ રોકાયા હતા.(

(3:37 pm IST)