Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઘરની ડેલીએ ઉભેલા ૭૦ વર્ષના ઇન્દ્રસિંહ રાણાને ગાયએ ઢીંક મારી પછાડી દેતાં ફ્રેકચરઃ ગાયના માલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૩૧: લગભગ દરેક શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ હોય છે. તંત્રવાહકો આ ત્રાસ ઘટાડવા કામગીરી પણ કરતાં હોય છે. ઘણીવાર ઢીંકને કારણે લોકોના મૃત્યુ પણ થતાં હોય છે. દરમિયાન વડોદરાના ગોરવા વિસ્તારમાં ઘર બહાર ઉભેલા ૭૦ વર્ષિય વૃધ્ધને અચાનક દોડી આવેલી ગાયએ ઢીંક મારી પછાડી દેતાં થાપામાં ફ્રેકચર થઇ જતાં તેમણે આ ગાયના માલિક વિરૂધ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

આ બનાવમાં વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનામાં ગુલમહોર સોસાયટી-૬ ગોરખનાથ મંદિર પાછળ રહેતાં અને નિવૃત જીવન જીવતાં ઇન્દ્રસિંહ અભયસિંહ રાણા (ઉ.વ.૭૦)ની ફરિયાદ પરથી એક લાલ કલરની શીંગડાવાળી ગાયના માલિક (જે કોણ છે તેની ખબર નથી) તેની સામે આઇપીસી કલમ ૨૮૯, ૩૦૮, જીપીએકટ ૯૦ (ક) મુજબ ગુનો દાખલ થયો છે.

ઇન્દ્રસિંહ રાણાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું તા. ૨૯/૧૨ના રાતે પોણા દસેક વાગ્યે મારા ઘરની બહાર ઉભો હતો ત્યારે લાલ કલરની શીંગડાવાળી ગાયે અચાનક મારી પાસે આવી ઢીંક મારી દેતાં હું જોરથી નીચે પછડાઇ ગયો હતો. જેના કારણે મારા ડાબા થાપામાં ગંભીર ઇજા થતાં ફ્રેકચર થયું છે. મારા ભત્રીજા મને ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં દાખલ કરવામાં આવેલ. ગાયના માલિકે પોતાની ગાયને જાહેરમાં છુટી મુકી દીધી હોઇ તેના કારણે ગાયએ મને મારતાં મારું મરણ પણ થઇ શકે તેમ હતું. ગાયના માલિકો ગાયોને જાહેરમાં છુટી મુકતાં હોય જાહેર જનતાનું જાનમાલનું નુકસાન થાય છે. તેમજ ગાયોના મારવાથી ગંભીર ઇજાઓ થવાથી મરણ પણ થઇ શકે છે અને વાહન ચાલકોને પણ ગંભીર નુકસાન થતું હોય છે. આ જાણવા છતાં ગાયોના માલિકો ગંભીર પ્રકારની બેદરકારી રાખી ગાયો છુટી મુકે છે, જેથી ગાયના માલિક વિરૂધ્ધ મેં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને આધારે વડોદરા ગોરવા પોલીસે ગુનો દાખલ કરી ગાયના માલિકની શોધખોળ હાથ ધરી છે. 

(3:24 pm IST)